નવી દિલ્હીમાં કાલથી 20 જુલાઈ થી સંસદનું સત્ર શરૂ અને 8 ઓગસ્ટનાં રોજ પૂરું થશે : ગુજરાતની જૈન પરિવાર ની દીકરી જે ભારતીય નાગરિક છે અને તેને જર્મનીમાં મા-બાપથી વિખુટી કરી ફોસ્ટર કેરમાં મૂકી દીધી છે તે પ્રશ્ન પણ સંસદમાં ઉઠાવીશ : શક્તિસિંહ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં કાલથી 20 જુલાઈ થી સંસદનું સત્ર શરૂ થઇ રહ્યું છે અને 8 ઓગસ્ટ નાં રોજ પૂરું થશે તે દરમ્યાન કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે લોકોને લગતા તમામ પ્રશ્નો સંસદમાં ઉઠાવશે. સંસદીય દળના કોંગ્રેસ પક્ષના નેતા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે કોંગ્રેસની સ્ટ્રેટેજી ગ્રુપની એક મીટીંગ મળી હતી જેમાં હું પણ ગ્રુપનો સદસ્ય છું. કોંગ્રેસ તરફથી મણીપુરનો સૌથી મોટો મુદ્દો છે જે અમે સંસદમાં ઉઠાવીશું. મણીપુર મુદ્દે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ વાત કરી નથી અને યોગ્ય પગલા પણ લેવામાં આવ્યા નથી. ગુજરાતના મુદ્દા ને લઈને જોઈએ તો યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે અને આ શેના કારણે થયા છે , ગુજરાત સરકાર અનૌપચારિક રીતે કહ્યું છે પરંતુ કોઈ નક્કર આંકડો આપ્યો નથી. અભ્યાસ થવો જોઈએ કે કયા પ્રકારનું વેક્સિન લીધું હતું.જો આંકડાઓ નીકળે કે કોઈ ચોક્કસ વેક્સિન લેનારાને હાર્ટ એટેક વધારે આવ્યા છે તો વેક્સિન બનાવનાર કંપની સામે પગલાં લેવાવા જોઈએ. રાષ્ટ્રીય કક્ષાએ અને સર્વે થવો જોઈએ અને યુવાનોને હાર્ટ એટેક ના આવે તેના માટે આગોતરા પગલાં લેવા જોઈએ મેડિકલ સાયન્સમાં જરૂરી હોય તેવા પગલાં આના માટે લેવા જોઈએ. વેપારીઓને ધાક ધમકી અને ડર બતાવી જેલ ભેગા કરી દઈશું જેનાથી વેપારીઓ ઉપર મોટી આફત આવી છે આ મુદ્દાને પણ સંસદમાં લઈ જઈશું. અતિવૃષ્ટિનાં કારણે પુર અને સાયકલોન મુદ્દા અંગે પણ ચર્ચા કરીશું. ગુજરાતની જૈન પરિવાર ની દીકરી જે ભારતીય નાગરિક છે અને તેને જર્મનીમાં મા-બાપથી વિખુટી કરી ફોસ્ટર કેરમાં મૂકી દીધી છે તેની રજૂઆત મેં સંસદ સભ્ય તરીકે કરી હતી પરંતુ હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી તેથી આ પરિવારની દીકરી માટે પણ હું ફરીથી સંસદમાં પ્રશ્ન ઉઠાવીશ.