દેશની રાજધાની દિલ્હીમાં મહિલા પાયલોટ અને તેના પતિને જાહેરમાં માર મારવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક સગીર પર અત્યાચાર કરવાના આરોપમાં લોકોના ટોળાએ માર માર્યો હતો. આ ઘટનાની પોલીસને જાણ થયા બાદ દરમિયાનગીરી કરી હતી. દિલ્હીના દ્વારકામાં એક મહિલા પાયલોટ અને તેના પતિને 10 વર્ષની બાળકી પર અત્યાચાર કરવા બદલ ટોળાએ માર માર્યો હતો. તેમના પર આરોપ છે કે આ છોકરી તેમના ઘરે કામ કરતી હતી. આ દરમિયાન બંનેએ ચોરીના આરોપમાં સગીર પર ત્રાસ ગુજાર્યો હતો. તેઓએ છોકરીને ડામ આપી તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો, ત્યારે તે છોકરી ભાગી ગઈ અને તેના માતા-પિતાને સંપૂર્ણ માહિતી આપી હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે બાળકીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે પતિ-પત્ની વિરુદ્ધ કલમ 323, 324, 342 અને બાળ મજૂરી અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓને કસ્ટડીમાં લેવાયા છે. દિલ્હી પોલીસ તરફથી દ્વારકાના DCP હર્ષવર્ધનનું કહેવું છે કે, ફરિયાદ બાદ અમે સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં 10 વર્ષની બાળકીને ઘરેલુ નોકર તરીકે રાખવામાં આવી હતી. તબીબી તપાસમાં સગીરના શરીર પર ઈજાના અને દાઝી ગયેલા નિશાનો બહાર આવ્યા છે. તેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પતિ-પત્નીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. છોકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ દંપતીએ બે મહિના પહેલા જ તેને નોકરી પર રાખી હતી. ઈજાના નિશાન જોઈ માતા-પિતાએ ફરિયાદ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ લોકોએ પતિ-પત્ની સાથે મારપીટ શરૂ કરી હતી. પરિવારજના લોકો તેને નોકરીએ રાખ્યા બાદ ગામ ચાલ્યા ગયા હતા.