ગાંધીનગર પૂર્વ કલેક્ટર એસ કે લાંગાના જમીન કૌભાંડોનાં કારનામા દિવસે દિવસે નવા વળાંક પકડી રહ્યા છે. પેથાપુરમાં ૩૦૪૨૧ મીટર સરકારી જમીન કેવી રીતે વેચાઈ ગઈ તેને લઈ એસઆઈટીને તપાસ દરમિયાન મહત્વની કડી હાથ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસમાં એસઆઈટીની ટીમ નવો ઘટસ્ફોટ કરે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. આજે એક ટીમ આણંદની જમીનની તપાસ અર્થે રવાના કરાઈ છે.
કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં આરોપી બનેલા પૂર્વ કલેક્ટર લાંગાની પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા બહાર આવી રહ્યા છે. લાંગા સામેનો ખાતાકીય તપાસ અહેવાલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ સાબિત થયો હતો. અને હવે તપાસ દરમિયાન પણ તે દિશાસૂચક બની રહ્યો છે. લાંગાએ પેથાપુરમાં મોકાની જગ્યાએ આવેલી ૩૦૪૨૧ મીટર સરકારી જમીન ખાનગી ઈસમોને વેચી મારી હતી. આ મામલે ત્રણ સાક્ષીઓને શોધવામાં પોલીસને સફળતા મળી છે અને તેના આધારે કરોડો રૂપિયાના કૌભાંડમાં મહત્ત્વના પુરાવા મળવાનો માર્ગ ખુલ્યો છે.
લાંગાએ સરકારી જમીનો ખાનગી વ્યક્તિને પધરાવી દેવા ઉપરાંત બિન ખેતીની મંજૂરીમાં પણ સેંકડો ગેરરીતિ આચરી હોવાની આશંકા ખાતાકીય તપાસમાં વ્યક્ત થઈ હતી. લાંગાએ કૌભાંડો આચરીને ભેગા કરેલા નાણાનો ઉપયોગ રીઅલ એસ્ટેટમાં રોકાણ માટે થયો હતો. બોપલમાં આલિશાન બંગલો, રાઈસ મિલ, દુકાનો ઉપરાંત તેમણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જમીનો પણ ખરીદી હતી. આણંદમાં એનએ થયેલી કરોડો રૂપિયાની જમીનમાં લાંગાએ રોકાણ કર્યું હોવાની માહિતી બહાર આવી છે. જેના આધારે પોલીસની એક ટીમ દસ્તાવેજાે અને સાક્ષીઓ ચકાસવા માટે આણંદ પહોંચી છે. લાંગા સંખ્યાબંધ સિમકાર્ડ કેમ રાખતા હોવાનું પણ બહાર આવી રહ્યું છે. આબુથી અમદાવાદ પહોંચેલી લાંગાની બે બેગમાંથી પોલીસને છ સિમકાર્ડ અને બે આઈ ફોન મળી આવ્યા છે. આઈફોનમાં મહત્ત્વનો ડેટા હોવાની શક્યતાના પગલે સાઈબર એક્સપર્ટ્સ પ્રયાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે રીઢા ગુનેગારો પોલીસને થાપ આપવા માટે સંખ્યાબંધ સિમકાર્ડ રાખતા હોય છે.કલેક્ટર જેવા ઉચ્ચ હોદ્દા પર રહેલા લાંગાની બેગમાંથી મળેલા સિમકાર્ડના આધારે પોલીસને શંકા છે કે, તેઓ વારંવાર સિમકાર્ડ બદલતા હશે. લાંગાએ સંખ્યાબંધ સિમકાર્ડ પોતાની પાસે રાખ્યા હોવાનું મનાય છે, જેમાંથી માત્ર છ જ પોલીસને મળ્યા છે. તેમણે આ સિમકાર્ડ થકી કોનો સંપર્ક કર્યો અને સિમકાર્ડ અપાવવામાં કોણે મદદ કરી વગેરે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદમાં લાંગા ઉપરાંત તત્કાલીન અધિક નિવાસી કલેક્ટર (ઇછઝ્ર) અને ચીટનીસને પણ આરોપી દર્શાવાયા છે. પોલીસ તપાસ દરમિયાન કૌભાંડના તાર કલેક્ટરથી માંડી તલાટી સુધી જાેડાયેલા હોવાનું બહાર આવ્યું છે. જેથી આ કેસમાં ઇછઝ્રથી માંડી તલાટી સુધીના ૨૫ જેટલા કર્મચારીઓ શંકાના ઘેરામાં છે. લાંગાના કલેક્ટર કાળ દરમિયાન જમીન એનએ કરવાની અને ગણોતધારા જેવી મહત્ત્વની કામગીરી સાથે સંકળાયેલા લોકોની પોલીસે યાદી યાદી બનાવી છે. આવા મહત્ત્વના ટેબલો પર કામ કરી ચૂકેલા બે પૂર્વ મામલતદાર સહિત ત્રણને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ પૈકી એક મામલતદાર પોતે અગાઉ જમીન કૌભાંડોમાં વગોવાઈ ચૂક્યા હોવાનું કહેવાય છે.