અમદાવાદ
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જીલ્લાઓ કે જ્યાં અતિવૃષ્ટિ થઈ છે તેવા પ્રભાવિત જીલ્લાઓના લોકો વચ્ચે કોંગ્રેસ પક્ષના આગેવાનો જશે અને લોક પ્રશ્નોને વાચા આપશે તેમજ પક્ષના કાર્યકર્તાઓ તરફથી શક્ય તે મદદ કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા નક્કી થયા મુજબ (૧) ગીરસોમનાથ જીલ્લામાં પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, (૨) જુનાગઢ જીલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અંબરીશભાઈ ડેર, પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને બાબુભાઈ વાજા (૩) પોરબંદર જીલ્લામાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ગુજરાત પ્રદેશ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયા મુલાકાત લેશે. કોંગ્રેસ પક્ષની ટીમ અસરગ્રસ્ત જીલ્લાના લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળશે. આ ત્રણેય જીલ્લાના પ્રજાના પ્રશ્નો જેવા કે કેશડોલ્સ, ખેતીની જમીન સહિત ખેડૂતોને થયેલ નુકસાન, વિજળી, પીવાનું શુદ્ધ પાણી, પશુપાલકોને ઉભી થયેલી મુશ્કેલી, રોડ-રસ્તા વગેરે પ્રશ્નોને રૂબરૂ સાંભળીને તંત્ર સુધી પહોંચાડવા માટે તેમજ સ્થાનિક કક્ષાએ સરકારી સહાયમાં તંત્રના સંકલનમાં જરૂર પડે ત્યાં કોંગ્રેસનો કાર્યકર મદદરૂપ બને તે માટે કોંગ્રેસ પક્ષના સીનીયર આગેવાનોની ટીમો મુલાકાત લેશે. મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષના આગેવાનો જીલ્લા કક્ષાએ કલેકટરશ્રી અને જવાબદાર અધિકારીને લોકોની વ્યથા-મુશ્કેલીઓ અંગે અને ત્વરીત પગલા ભરવા રજુઆત કરશે. ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગેનો અહેવાલ પ્રદેશ કોંગ્રેસ સમિતિને રજુ કરશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે જનાર આગેવાનોનો પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓને અનુરોધ કર્યો છે કે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શક્ય તમામ મદદ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા કરવામાં આવે તેમજ સરકાર સુધી લોકોની વ્યથા પહોંચે તે માટે લોકપ્રશ્નોને ઉજાગર કરે. મુશ્કેલ સમયમાં કોંગ્રેસ પક્ષનો હાથ જનતાની સાથે છે.