મૃતક પોલીસ જવાન ધર્મેન્દ્રસિંહની એક વર્ષની પુત્રીને ધંધુકાના બિલ્ડરે દત્તક લીધી છે અને તેઓ ભણવાથી લઈને લગ્ન સુધીનો આજીવન ખર્ચ ઉપાડશે. અમદાવાદ જિલ્લાના ધંધુકાના જાળીયા ગામના વતની અને વ્યવસાયે બિલ્ડર એવા ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડાએ ધર્મેન્દ્રસિંહની એક વર્ષની દીકરી કાવ્યાને દત્તક લેવાની જાહેરાત કરી છે. આ દીકરી મોટી થઇને જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી અને ત્યારબાદ તેના લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉઠાવશે. દીકરી ધર્મેન્દ્રસિંહના પરિવાર સાથે જ રહેશે.
ઉપેન્દ્રસિંહ ચાવડા આસ્થા ફાઉન્ડેશનના નામથી સામાજિક સંસ્થા ચલાવે છે અને તેમને ભાલના દાનવીર સાવજનું બિરુદ મળ્યું છે. જેના કારણે તેઓ સમયાંતરે રક્તદાન કેમ્પ, સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન જેવી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ નિઃસ્વાર્થ ભાવે કરતા રહે છે. તેઓ દર વર્ષે નાતજાતના ભેદભાવ વગર 111 દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે. આ વર્ષે 24-11-2023ના રોજ આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન યોજાશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા અને ચુડા રહેતા મૃતક ધર્મેન્દ્રસિંહ પરમારના પરિવારજનો પર આભ તુટી પડ્યું છે. ત્યારે ચાલુ ફરજ દરમિયાન પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો હોવાથી સમગ્ર પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. મૃતક ધર્મેન્દ્રસિંહ પરમારના પરિવારજનોમાં પત્ની, બે વર્ષની દીકરી અને માતા-પિતા છે.