સંયુક્ત રાષ્ટ્રની વિનંતી છતાં રશિયાએ યુક્રેનમાંથી અનાજ વિશેષરૂપે ઘઉંની કાળા સમુદ્રમાંથી નિકાસ માટેનો સોદો રદ કરી દીધો છે. તેની અસર હવે સમગ્ર દુનિયા પર જોવા મળી રહી છે.આ જ સમયમાં ભારતે બાસમતી સિવાયના ચોખાની ભારતમાંથી નિકાસ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, ભારત સરકારની આ જાહેરાત પછી વિદેશમાં ભારે ગભરાટ ફેલાયો છે.
ભારતના આ નિર્ણયથી વિશેષરૂપે અમેરિકા અને કેનેડામાં રહેતા ભારતીયો પર વધુ અસર પડી હોવાનું જોવા મળી રહ્યું છે. મોદી સરકારના આ નિર્ણય પછી અમેરિકા અને કનેડામાં બાસમતી ચોખાના ભાવ બમણા થઈ ગયા છે. ચોખાની નિકાસ બંધ થયા પછી અમેરિકામાં ભારતીયોએ ચોખાનો સ્ટોક કરવા માટે શોપિંગ મોલમાં લૂંટ ચલાવી છે. અમેરિકાના શોપિંગ મોલમાં ભારતીય સોના મસૂરી ચોખાના ભાવમાં અનેક ઘણો વધારો થઈ ગયો છે.
માનવામાં આવે છે કે રશિયાએ કાળા સમુદ્રમાંથી અનાજની નિકાસને મંજૂરી આપવાનો સોદો રદ કરવાના કારણે ભારત સરકારે આ નિર્ણય લીધો છે. ડીજીએફટીની જાહેરાત પછી આખી દુનિયાના બજારોમાં ગભરાટની સ્થિતિ છે, પરંતુ અમેરિકામાં સ્થિતિ થોડીક વધુ મુશ્કેલ જણાઈ રહી છે. અહીં વસવવાટ કરતા ભારતીયો આ પ્રતિબંધ ખતમ થાય ત્યાં સુધી ચોખાની બોરીઓનો સ્ટોક કરવા માટે ભારતીય દુકાનો અને કોસ્ટકોમાં પહોંચી ગયા છે, જ્યાં ચોખાની બોરીઓ માટે રીતસરની લૂંટ મચી છે. અહીં અનેક દુકાનો બહાર ભારતીયો વિશેષરૂપે દક્ષિણ ભારતના લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. જોકે, આ ઘટનાના પગલે અનેક ભારતીય દુકાનો પર ‘એક વ્યક્તિ એક બોરી’નો નિયમ લાગુ કરવો પડ્યો છે. અહીં અનેક દુકાનોમાં ચોખાના ભાવ 32 ડોલરથી વધીને 47 ડોલર થઈ ગયા છે. પહેલા ભાવ 22 ડોલર જ હતો.
થોડાક દિવસ પહેલાં બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં પણ કહેવાયું હતું કે, ભારત સરકાર ચોખાની મોટાભાગની જાતોની નિકાસ પર પ્રતિબંધ મૂકવા વિચાર કરી રહી છે. ભારતના વિદેશ વેપાર મહાનિદેશાલય (DGFT)એ જણાવ્યું હતું કે, મોદી સરકારે બાસમતી સિવાયના સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, ભારત કેટલીક શરતો હેઠળ ચોખાની કેટલીક ખેપને જ નિકાસને મંજૂરી આપશે. જેમ કે, આ જાહેરાત પહેલાં જહાજ પર જે ચોખાનું લોડિંગ શરૂ થઈ ગયું છે તેની નિકાસને મંજૂરી અપાશે. વધુમાં અન્ય દેશોની સરકારો દ્વારા તેમની અન્ન સલામતી પૂરી પાડવા માટે કરાતી વિનંતીના આધારે મોદી સરકારની મંજૂરીના આધારે ચોખાની નિકાસને મંજૂરી અપાશે.