સૌરાષ્ટ્રની સૂકી ધરાને ‘‘સૌની’’ યોજના થકી માં નર્મદાના આશીર્વાદ મળ્યા છે. વર્ષો અગાઉ દુકાળનો માર સહન કરનારું સૌરાષ્ટ્ર ક્યારેય સિંચાઈ તથા પીવાના પાણી માટે વલખા ન મારે તેવું દૂરંદેશીપૂર્ણ અને નક્કર આયોજન તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ‘‘સૌની’’ યોજના શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬માં સૌરાષ્ટ્રમાં આજી-૩ ડેમમાં નર્મદાના નીરના અવતરણ વખતે રાજકોટના અનેક ગામોમાં લાપસીના આંધણ મુકાયા હતા. ફરી વાર આવો જ માહોલ સર્જાવા જઈ રહ્યો છે. તા. ૨૭ જુલાઈના રોજ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ‘‘સૌની’’ યોજનાના લીંક ૩ના પેકેજ-૮ અને પેકેજ–૯નું લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના કર-કમલો વડે કરવામાં આવનાર છે. આ બંને પેકેજની કામગીરી અંદાજિત રૂ. ૩૯૩.૬૭ કરોડના ખર્ચે થઈ છે.
‘‘સૌની’’ યોજના લીંક-૩ના પેકેજ ૮ અંતર્ગત રૂ.ર૬૪.૯૬ કરોડના ખર્ચે લીંક-૩ના પેકેજ-૫ ની મુખ્ય પાઇપ લાઇન ગુંદાસરા ગામ નજીકના એન્ડ પોઇંટથી ભાદર-૧ ડેમ સુધી જોડવામાં આવી છે. જેમાં પેકેજ-૮ના ૩૨.૫૬૧ કિ.મી. માટેના પાઇપલાઇન તથા વેરી તળાવને આશરે ૧.૮ કીમી પાઇપ લાઇન નાખી જોડવામાં આવેલ છે.
‘‘સૌની’’ યોજના લીંક-૩ પેકેજ-૮ દ્વારા ૪૨,૩૮૦ એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે. જેનાથી આશરે ૧૦,૫૬૮ ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકશે. ઉપરાંત આસપાસના ૫૭ ગામોના ૭૫ હજારથી વધુ લોકોની પીવાના તથા સિચાઈના પાણીની સુવિધામાં વધારો થશે.‘‘સૌની’’ યોજના લીંક-૩ના પેકેજ-૯માં આજી-૧ એક્ષટેન્શન તથા ફોફળ-૦૧ ફીડર એક્ષટેન્શન અન્વયે રૂ.૧૨૮.૭૧ કરોડના ખર્ચે લીંક-૩ના પેકેજ-૪ના ઠેબચડા ગામ પાસેથી પાસેથી આજી-૧ જળાશયના સબમર્જન્સ સુધી આશરે ૬.૨૭૯ કિ.મી. લંબાઇની પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી છે.
ફોફળ-૧ના એક્ષટેન્શન ફીડર પાઇપલાઇનના કામમાં લીંક-૩ના પેકેજ- ૫ પાસેથી (ગામ : ચાંદલી તા. લોધિકા) કનેક્શન આપી ફોફળ-૧ જળાશયના સબમર્જન્સ સુધી આશરે ૨૮.૧૩૨ કિ.મી. લંબાઇની પાઇપલાઇન જોડવામાં આવી છે.વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પિત થનાર પેકેજ-૯ દ્વારા ૩૮ ગામોના ૨૩૦૦૦ થી વધુ લોકોને ફાયદો થયો છે તથા ૧૦,૦૧૮ એકર જમીનને સિંચાઇની અને પીવાના પાણીની સુવિધાઓ મળશે.‘સૌની’’ યોજના થકી માં નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રની ધરા નવપલ્લવિત થઈ રહી છે. પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશીભર્યા આયોજન થકી આજે સૌરાષ્ટ્રનો ખેડૂત ત્રણ ઋતુનો પાક લેતો થયો છે.