ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ના ચેરમેન તરીકે નિવૃત્ત આઈએએસ અધિકારી અનિતા કરવલની નિમણૂક કરવામાં આવી છે. દિલ્હીમાં અનિતા કરવલ નિવૃત્ત થયા પછી તેમને ગુજરાતમાં મહત્વની જવાબદારી મળી છે. તેઓ એક તટસ્થ અધિકારી તરીકેની છાપ પણ ધરાવે છે.
તેની પર રાજ્યની બિલ્ડર લોબીની નજર હતી. કેમ કે ચાર વર્ષના લાંબા સમય સુધી આ પદ પર ફરજ બજાવતા નિવૃત્ત આઇએએસ અધિકારી અમરજીતસિંઘ ગયા નવેમ્બર મહિનામાં નિવૃત્ત થઇ ચૂક્યાં હતા અને ત્યારબાદ ઘણા નામોની ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ આખરે અનિતા કરવલની આ પદ ઉપર નિમણુંક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ બ્યુરોક્રેસીમાં એવી ચર્ચા થતી હતી કે, ગત 31મી જાન્યુઆરી 2023માં નિવૃત્ત થયેલા ચીફ સેક્રેટરી પંકજકુમારને સરકાર રેરાના ચેરમેન બનાવી શકે છે. પરંતુ એવું થયું ન હતું અને આખરે ઘણા લાંબા સમયથી ખાલી પડેલા આ મહત્વના પદ ઉપર અનિતા કરવલની જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે.