અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શેહજાદ ખાન પઠાણ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શેહજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે સાબરમતી રીવર ફ્રન્ટ પ્રોજેકટ પાછળ અત્યાર સુધીમાં કરોડોનો ખર્ચ થયેલ છે રીવરફ્રન્ટ પ્રોજેકટ સમગ્ર ગુજરાતમાં એક ડેસ્ટીનેશન સ્પોટ તરીકે ગણાય છે અને સત્તાધારી ભાજપના શાસકો તે પ્રોજેકટની વાહવાહી કરવાનો એક પણ પ્રયાસ છોડતા નથી પરંતુ વાસ્તવિકતા જોવાનો અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ ભાજપના શાસકો કરતાં નથી સાબરમતી નદી ગંદા પાણીથી ખદબદે છે અને તેને શુધ્ધ કરવા પાછળ કરોડો રૂા.નો ખર્ચ કર્યા બાદ પણ સાબરમતી નદી હાલ દેશની સૌથી વધુ પ્રદુષિત નદી છે જે કડવી વાસ્તવિકતા છે તેમજ હાલમાં સાબરમતી રીવરફ્રન્ટનો લોઅર પ્રોમોનોડ તથા અપર પ્રોમોનોડ બનેં ગંદકીથી ખદબદે છે ચારેય બાજુ કાદવ તથા ગંદકી ફેલાયેલ છે. રીવરફ્રન્ટ પર મનોરંજન માટે આવતાં નગરજનો આ ગંદકીથી ત્રાહીમામ પોકારી ગયાં છે રીવરફ્રન્ટ કોર્પો.દ્વારા રીવરફ્રન્ટની સાફસફાઇ માટે કુલ ૪ સ્કીમર મશીન ભાડે લીધેલ છે તેના એક મશીનના રોજના રૂા.૧૨૦૦૦- મળી રોજના કુલ ૪૮૦૦૦/- નો ખર્ચ કરવામાં આવે છે તેમજ સફાઇ માટેનો કોન્ટ્રાકટ પણ અલગથી આપવામાં આવેલ હોવા છતાં ગંદકીનુ સામ્રાજ્ય શાસકોની બેદરકારીને કારણે સર્જાયેલ છે.
એક તરફ મ્યુનિ. કોર્પો સ્વચ્છતા સર્વેક્ષણ ના નામે કરોડો રૂા.નો વ્યય કરે છે તો બીજી તરફ સાબરમતી નદી તથા રીવરફ્રન્ટમાં ગંદકીનું સામ્રાજય ! આવી વિસંગતતા કેમ ઉભી થવા પામે માત્ર કોન્ટાકટરોને લાભ આપવા માટે જ સફાઇના કોન્ટ્રાકટ આપવામાં આવે છે તેનું મોનીટરીંગ કેમ યોગ્ય થતું નથી થોડા દિવસો પહેલાં અમદાવાદ શહેર જી-૨૦ દેશોના પ્રતિનિધિઓની બેઠકનું યજમાન હોવાથી વિવિધ દેશોના પ્રતિનિધિઓને રીવરફ્રન્ટની મુલાકાત લીધેલ જેને લઇને સમગ્ર તંત્ર તેની તૈયારીમાં લાગી ગયેલ અને રીવરફ્રન્ટ એકદમ સ્વચ્છ બનાવી દીધેલ તો હવે કેમ ગંદકીથી ખદબદે છે તેની તપાસ કરવી જોઇએ.
અગાઉ રીવરફ્રન્ટ ખાતે સિક્યુરીટી સર્વિસ પાસેથી મોટી સંખ્યામાં સિક્યુરીટી ગાર્ડસની સેવા લેવામાં આવે છે તેમ છતાં રીવરફ્રન્ટ વિસ્તારમાં ડ્રગ્સનું સેવન તથા વેચાણ થતું હોવાની ધટના બનેલ હતી જેથી સિકયુરીટી સર્વિસ ખાડે ગયેલ છે તે સ્પષ્ટ પુરવાર થયેલ હતું . રીવરફ્રન્ટ એ અમદાવાદની શાન સમાન હોઇ પ્રજાહિતમાં સાબરમતી રીવરફ્રન્ટ કાયમી રીતે સ્વચ્છ રાખવા બાબતના તમામ કામો ચોક્કસ સમયાંતરે થાય તેમજ તે કામોનું યોગ્ય નિયમિત મોનીટરીગ પણ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે