રાજ્યમાં એકપણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે અંગે આગોતરું આયોજન રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.રસીકરણને ઝુંબેશના રૂપે હાથ ધરવામાં આવે અને આ રસીકરણ કામગીરીમાં કોઈપણ અવરોધ કે અગવડ ન સર્જાય અને રસીકરણ અંગે સકારાત્મક વ્યવહાર પરિવર્તન થાય તે વિશે માર્ગદર્શન પૂરું પાડવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા યુનિસેફના સહયોગથી આઇ.આઇ.ટી.- ગાંધીનગર ખાતે બેદિવસય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓ (ADHO), જિલ્લા માહિતી, શિક્ષણ, પ્રચાર અધિકારીશ્રીઓ (DIECO) અને જિલ્લા સામાજિક વ્યવહાર પરિવર્તન સંચારકો (DSBCC) ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્ય શાળામાં રસીકરણ સેવાનો વ્યાપ વધે અને લક્ષિત સમુદાય સામેથી જ રસી લેવા માટે તૈયાર થાય તે અંગેનો વ્યવહાર ઉભો કરવા તથા રસીની સલામતી, તેની અસરકારકતા તેમજ રસી પ્રત્યે વિશ્વાસ ઉભો થાય તે બાબતોને આવરી લઈ વિવિધ મુદ્દાઓ અંગે નિષ્ણાતો અને તજજ્ઞો દ્વારા છણાવટપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.