વડોદરામાં માથાભારે તત્વોને છૂટો દોર મળી ગયો હોય તેમ તેઓ વર્તી રહ્યા છે અને તેમના પર પોલીસની કોઈ ધાક રહી નથી. જેને કારણે ભાજપના એક સંનિષ્ઠ કાર્યકરનું સરેઆમ લાકડીના ફટકા મારી હત્યા કરવામાં આવી હોવાનો કમકમાટી ભર્યો બનાવ બન્યો છે.
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો શહેરના વાસણા રોડની સુક્રુતિ સોસાયટીમાં રહેતા અને ફેબ્રિકેશનનો વેપાર કરતાં ભાજપના કાર્યકર સચિન ઠક્કર તા.25મી એ રાત્રે તેમના કઝિન પ્રિતેશ સાથે રેસકોર્સ વિસ્તારની મિર્ચ મસાલા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. તે દરમિયાન કાર પાર્ક કરવા બાબતે 15 દિવસ પહેલા થયેલી તકરારની અદાવત રાખી માથાભારે નબીરા પાર્થ બાબુલ પરીખ અને તેના બે સાગરિતોએ હુમલો કરતા બંને ભાઈઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સરેઆમ બનેલા ખૂની હુમલાના બનાવમાં સૌથી ગંભીર બાબત એ છે કે 15 દિવસ પહેલા આજ હુમલાખોરોએ ભાજપના કાર્યકર સચિન ઠક્કર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ગોત્રી પોલીસને અરજી પણ આપવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઈ પગલા નહીં લેતા હુમલાખોરોની હિંમત વધી ગઈ હતી અને ફરીથી હુમલો કર્યો હતો.જેમાં સારવાર દરમિયાન ભાજપ કાર્યકર્તા સચિન ઠક્કર નું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક સચિન ઠક્કરના પિતરાઈ ભાઇ એ પંદર દિવસ પહેલા પાર્કિંગ બાબતે તકરાર થતાં ગોત્રી પોલીસ સ્ટેશન માં અરજી આપી હતી. પરંતુ તેમની અરજીને પોલીસે ગંભીરતાથી ન લેતા હુમલાખોરોની હિંમત ખુલી હતી. જેના કારણે હુમલાખોરોએ ફરી હુમલો કરી સચિન ઠક્કરને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જોકે સમગ્ર મામલે ભાજપ કાર્યકરે જીવ ગુમાવ્યા બાદ પોલીસ ને ભ્રમઃ જ્ઞાન આવ્યું હતું. હુમલાના બનાવમાં ફરિયાદને ગંભીરતાથી નહિ લેનાર પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. DCP ઝોન 2 એ ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ ભાઈ ધુળા ભાઈને અરજીની તપાસમાં નિષ્કાળજી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દીધો છે.
આ બનાવમાં ઇજાગ્રસ્ત સચિન ઠક્કર જિંદગી સામેનો જંગ હારી ગયા છે અને તેમનું મોત નિપજ્યું છે, ત્યારે ગોત્રી પોલીસ હવે હુમલાખોર પાર્થ અને તેના બે સાગરિતોને ઝડપી પાડયા છે. ઉલ્લેખનીય છે કે સચિન ઠક્કર ભાજપ ના સક્રિય કાર્યકર્તા હતા કોરોના કાળમાં પણ તેમને નિસ્વાર્થ ભાવે નાગરિકો ની સેવા કરી હતી.પશ્ચિમ વિસ્તાર માં સેવાભાવી તેમજ સતત સક્રિય રહેતા કાર્યકર ને ગુમાવતા પરિવાર સહિત શહેર ભાજપ પણ સોંપો પડી ગયો છે.
સમગ્ર મામલે ભાજપ કાર્યકરે જીવ ગુમાવતા પોલીસ હવે એક્શન મોડ માં આવી ગઈ છે ગોત્રી પોલીસ દ્વારા સમગ્ર મામલે હત્યારા પાર્થ પરીખ, સાહિલ ખાન અને પીન્ટુ લોહાણા નામના આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસને ઘટના સ્થળે થી CCTV ફૂટેજ પણ મળ્યા છે જેની હાલ જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ઝડપેલા તમામ આરોપીઓ ને ગુના ના મૂળ સુધી પોહોચવા કોર્ટ માં રજુ કરી રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે.ત્યારે આવનાર સમય માં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.