રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત રૂ. ૨૦૩૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પો જનતાને સમર્પિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Spread the love

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌરાષ્ટ્ર-ગુજરાતને નવી ઊર્જા આપનારું પાવરહાઉસ બની રહેશે

આજે ગુજરાત એરોપ્લેન બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે

કેન્દ્ર સરકારે ગુડ ગવર્નન્સ-સુશાસન દ્વારા દરેક વર્ગ, દરેક ક્ષેત્રના જીવનને સરળ બનાવ્યું છે

કેન્દ્ર સરકારે ૯ વર્ષમાં લીધેલા પગલાંથી દેશમાં ગરીબી ઝડપથી ઘટી છે

પાંચ વર્ષમાં દેશમાં ૧૩.૫૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, નવા મધ્યમ વર્ગનું સર્જન થયું છે

કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ છતાં દેશમાં મોંઘવારી કાબુમાં રાખવામાં સફળ થયા :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અદ્યતન ગ્રીનફિલ્ડ એરપોર્ટથી સૌરાષ્ટ્રના નાગરિકો, ધંધા-વ્યવસાય વિશ્વ સાથે જોડાશે

રાજકોટ-સૌરાષ્ટ્રને લોકલથી ગ્લોબલ બનાવવામાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ મહત્વની ભૂમિકા ભજવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદાના પાણીથી સૌરાષ્ટ્ર-કચ્છની સૂકી ધરતીને નવપલ્લવિત કરવા ઇજનેરી કૌશલ્ય કામે લગાડ્યું

રાજકોટ

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાત અંતર્ગત અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, પ્રોટોકોલ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દાયાણી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી પ્રેમવીર સિંહ, કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટ ખાતે ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ “રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” સહિતના રૂપિયા ૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે ભવિષ્યમાં ગુજરાતમાં પણ એરોપ્લેનનું નિર્માણ થશે એવી આશા વ્યક્ત કરી, સુશાસનના મોડેલ થકી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં હિરાસર પાસે નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રેસકોર્સ ખાતે જનસભામાં પધાર્યા હતા. અહીંથી તેમણે વિવિધ વિકાસકાર્યોનું રિમોટથી લોકાર્પણ કર્યું હતું. આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, હિરાસર ખાતે નિર્માણ પામેલું આ માત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જ નથી પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતને નવી ઊર્જા આપનારું, નવી ઊડાન આપનારું પાવરહાઉસ બની રહેશે.

રાજકોટની ઓળખ સૌરાષ્ટ્રના ગ્રોથ એન્જિન તરીકે થઈ રહી છે, તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, સર્વાંગી વિકાસની સાથે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને તેવું રાજકોટવાસીઓનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કારણે રાજકોટ હવે દેશ-દુનિયાના અન્ય શહેરો સાથે સીધી ફ્લાઈટથી જોડાઈ શકશે. જેના કારણે ઉદ્યોગોને લાભ થશે, ખેડૂતો પણ તેમનું કૃષિ ઉત્પાદન વિદેશ મોકલી શકશે. સર્વાંગી વિકાસની સાથે ગુજરાત આજે એરોપ્લેન બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે, Ease of Living, Quality of Life કેન્દ્ર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુડ ગવર્નન્સ-સુશાસન દ્વારા સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રમાં જીવનને સરળ બનાવવા માટે કામ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા નવ વર્ષમાં લોક-સુખાકારી માટે લેવાયેલાં પગલાંઓની વિગતે વાત કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાના લાભો છેવાડાના પરિવારોને મળ્યા છે. જેના પરિણામે દેશમાં ગરીબી ઝડપથી ઘટી છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૧૩.૫૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જેના કારણે એક નવા મધ્યમ વર્ગનું સર્જન થયું છે.વડાપ્રધાનશ્રીએ દેશમાં કનેક્ટિવિટીમાં થયેલા નોંધપાત્ર વધારાનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, ૨૦૧૪માં દેશમાં માત્ર ચાર શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક હતું, આજે ૨૦થી વધુ શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક પહોંચ્યું છે અને ૨૫ અલગ અલગ રૂટ ઉપર વંદે ભારત જેવી ટ્રેનો દોડી રહી છે. તેવી જ રીતે દેશમાં પહેલા ૭૦ એરપોર્ટ હતા, આજે તેનાથી ડબલ એરપોર્ટ છે. એરલાઈન સેક્ટરમાં દેશ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. ડિજિટલ ઈન્ડિયા થકી સામાન્ય લોકોની હાલાકી ઘટાડવા માટે સરકારે લીધેલા પગલાં અંગે વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, અગાઉ વીજળી-પાણીના બિલ, ઇન્કમટેક્સ રિટર્ન ભરવા, હોસ્પિટલમાં, પેન્શન મેળવવા માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું અને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. વર્તમાન સરકારે ડિજિટલ ઈન્ડિયાની પહેલથી આ સમસ્યાઓનું સમાધાન કર્યું છે. બેન્કિંગ સેવાઓ મોબાઈલમાં ઉપલબ્ધ બની છે. ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ સરળ અને ઝડપી બન્યું છે. અગાઉ આઈ.ટી. રિફંડ મેળવવામાં મહિનાઓ લાગી જતા હતા. હવે ગણતરીના દિવસોમાં આવી જાય છે.

તેઓએ કહ્યું હતું કે, સરકારે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ઘર મળે તેની પણ ચિંતા કરી છે. પીએમ આવાસ યોજનાના કારણે દેશના ૬ લાખથી વધુ પરિવાર અને ગુજરાતના ૬૦,૦૦૦થી વધુ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. રેરાનો કાયદો લાવી સરકારે ઘર ખરીદવાની પ્રક્રિયા સરળ અને સલામત બનાવી છે, અને લાખો લોકોના પૈસા ફસાઈ જતાં, લૂંટાઈ જતા બચાવ્યા છે. પાડોશી દેશોમાં ૨૫થી ૩૦ ટકાના દરે મોંઘવારી વધી રહી છે. ભારતમાં મોંઘવારી દરને લઈ સરકારની સંવેદનશીલતા અને સંનિષ્ઠ પ્રયાસોના કારણે, કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ જેવા કારણો છતાં મોંઘવારી કાબુમાં રાખવામાં સફળતા મળી છે. અગાઉ રૂપિયા બે લાખ જેટલી નાની રકમ પર પણ ટેક્સ લાગતો હતો, જ્યારે આજે સાત લાખ સુધીની આવક ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. નાની બચત ઉપર વધુ વ્યાજ સહિતના પગલાંઓથી મધ્યમવર્ગની બચત વધે તેવા સરકારના પ્રયાસો રહ્યા છે.

દેશમાં આવેલી મોબાઈલ ડેટા ક્રાંતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, આજે દરેક ભારતીય દર મહિને સરેરાશ ૨૦ જીબી ડેટાનો ઉપયોગ કરે છે. વર્ષ ૨૦૧૪માં ૧ જી.બી. ડેટા માટે રૂપિયા ૩૦૦ આપવા પડતા હતા. જો એ જ દરો આજે હોત તો, આજે આશરે મહિને રૂપિયા ૬૦૦૦ જેટલું બિલ ચૂકવવું પડતું હોત. પરંતુ આજે ૨૦ જી.બી. ડેટા માટે મહિને રૂપિયા ૩૦૦-૪૦૦ જેટલું જ બિલ આવે છે. આમ દર મહિને મધ્યમ વર્ગના રૂપિયા ૫૦૦૦થી વધુ બચત થાય છે.સિનિયર સિટીઝન્સ સહિતના લોકો માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલાંનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, બીમાર સિનિયર સિટીઝન માટે પરિવારે બજારમાં ઊંચી કિંમત આપીને દર મહિને દવા લેવી પડતી હતી. તેઓનો ખર્ચ બચાવવા કેન્દ્ર સરકારે જનઔષધિ કેન્દ્રો શરૂ કરાવીને સસ્તી કિંમતમાં દવા ઉપલબ્ધ કરાવી છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આશરે ૨૦ હજાર કરોડ રૂપિયાની રકમની બચત થઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે સંવેદનશીલ સરકાર એક પછી એક એવા પગલાં લઈ રહી છે, જેનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર કોઈ બોજ ના પડે. ગુજરાત અને સૌરાષ્ટ્રના વિકાસ માટે પણ અમારી સરકાર પૂરી સંવેદનશીલતાથી કામ કરી રહી છે.

પાણીની અછતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, સૌની યોજના પહેલા શું સ્થિતિ હતી અને સૌની યોજના પછી શું બદલાવ આવ્યો છે તે સૌરાષ્ટ્રમાં જોઈ શકીએ છીએ. સૌરાષ્ટ્રના સેંકડો ગામ અને હજારો ચેકડેમ આજે પાણીના સ્ત્રોત બની ચૂક્યા છે. હર ઘર જલ યોજના અંતર્ગત આજે ગુજરાતના કરોડો પરિવારોને નળથી જળ મળવા લાગ્યું છે.તેઓએ કહ્યું હતું કે, સુશાસનનું આ એક એવું મોડેલ છે, જેમાં સમાજના દરેક વર્ગ અને પરિવારની જરૂરિયાતો અને આકાંક્ષાઓને ધ્યાનમાં રખાય છે. આ જ વિકસિત ભારતના નિર્માણનો અમારો રસ્તો છે. આ જ માર્ગ પર ચાલીને આપણે આઝાદીના અમૃત કાળના સંકલ્પોને સિદ્ધ કરવાના છે.

વડાપ્રધાનશ્રીએ વક્તવ્યના પ્રારંભમાં ગુજરાતમાં હાલમાં આવેલા વાવાઝોડા-પૂર જેવી કુદરતી આપત્તિના અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, રાજકોટ ખાતે અદ્યતન ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના માધ્યમથી સૌરાષ્ટ્રના નાગરિકો, ધંધા-વ્યવસાયો વિશ્વ સાથે જોડાશે અને નિકાસની તકો સરળ બનશે. રાજકોટ-સૌરાષ્ટ્ર પ્રદેશને લોકલથી ગ્લોબલ બનાવવામાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મોરબી-થાનના સિરામીક ઉદ્યોગો, જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગ, ભાવનગર અલંગના શિપ રિસાયકલિંગ ઉદ્યોગો કે રાજકોટના ઓટોમોબાઇલ પાર્ટ્સ અને મેટલ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગો સૌ માટે આ એરપોર્ટ નિકાસ અને વેપાર-ઉદ્યોગોના વિકાસ માટે વિવિધ તકો પૂરી પાડશે. વડાપ્રધાનશ્રીએ રાજકોટને નવીન એરપોર્ટના લોકાર્પણથી નભ, રાજકોટ શહેરના વિવિધ વિકાસ કાર્યોથી થલ તથા સૌની યોજના અન્વયે લિન્‍ક ૩ના ૮ અને ૯ એમ બે પેકેજના લોકાર્પણથી જલ એમ દરેક ક્ષેત્રે વિકાસના નવા-નવા પ્રકલ્પો, યોજનાઓ આપીને વિકાસ સાકાર કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના દરિયામાં વહી જતા નિરર્થક પાણીથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની સૂકી ધરતીને નવપલ્લવિત કરવા અને સિંચાઈ-પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે ઇજનેરી કૌશલ્ય કામે લગાડ્યું. તેમણે એક મિલિયન એકર ફિટ નર્મદાના પાણી પહોંચાડવાના આયોજન સાથે “સૌની” યોજનાનો પ્રારંભ કરાવીને સૌરાષ્ટ્ર માટે દુકાળને ભૂતકાળમાં પરિવર્તિત કર્યો છે.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, હવાઈ સ્લીપર પહેરનારા નાગરિકોને UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ કિફાયતી દરે હવાઇ યાત્રા ઉપલબ્ધ કરાવવા માટે દેશભરમાં નવા ૧૪૮ એરપોર્ટસ બનાવાયા છે. વર્ષ ૨૦૧૪માં પ્રતિ સપ્તાહ ૫૬ ફલાઈટસ અને ૧૯ શહેરો સાથેની કનેક્ટિવિટીની સામે ૨૦૨૩માં પ્રતિ સપ્તાહ ૧૩૦ ફલાઈટસ અને ૫૦ શહેરો સાથેની કનેક્ટિવિટી ઉપલબ્ધ બનવા જઈ રહી છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષતાઓ વર્ણવતાં કહ્યું હતું કે, ટૂંક સમયમાં રાજકોટ હવાઈ માર્ગે ઉદયપુર અને ઈન્દોર સાથે જોડાઈ જશે. તેમણે આ તકે જ્યાં કનેક્ટિવિટી ત્યાં વેપાર અને જ્યાં વેપાર ત્યાં રોજગાર. પરિવહન થકી પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજ્યના ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણની ઘડી ઐતિહાસિક છે.વિકાસકાર્યોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાંસદશ્રી સી. આર. પાટીલના હસ્તે વિમાનની પ્રતિકૃતિ દ્વારા વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી જયોતિરાદિત્ય સિંધિયા દ્વારા તથા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ રાજયપાલશ્રી વજુભાઈ વાળા દ્વારા પણ ઈમિટેશનથી શણગારેલા વિમાનો દ્વારા વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, મહિલા-બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, મેયરશ્રી પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, સાંસદ સર્વશ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી વિનોદ ચાવડા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતિ ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડિયા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી જીતુભાઈ સોમાણી, શ્રી શામજીભાઈ ચૌહાણ, સૌની યોજનાના સચિવ શ્રી કે.એ. પટેલ, રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી, રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી ધીમંત વ્યાસ, અગ્રણીશ્રી સર્વશ્રીઓ મુકેશભાઈ દોશી, શ્રી ભરતભાઈ બોઘરા વગેરે પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com