ગાંધીનગર મહાનગરપાલિકાની વેરા વસૂલાત ધીમી પડતા હવે આગામી દિવસોમાં વેરા વસૂલાત વધુ સઘન બનાવવામાં આવનાર છે. એકતરફ રાજ્ય સરકાર દ્વારા તમામ મહાપાલિકા, નગરપાલિકા સહિતની સ્વાયત સંસ્થાઓને સરકારની ગ્રાન્ટ પર નભવાને બદલે વેરા વસૂલાત કડક બનાવીને ર્સ્વનિભર બનવાની સૂચના આપી છે બીજીતરફ વેરા વસૂલાત માત્ર ૬૦ ટકા જેટલી થતા મહાનગરપાલિકા દ્વારા આગામી સપ્ટેમ્બર બાદ બાકીદારોને નોટિસ આપવાનું શરૂ કરવામાં આવશે તેમજ મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં ઢોલ વગાડીને વેરાની ઉઘરાણી કરવાની પદ્ધતિ પણ અપનાવાશે.ગાંધીનગર મહાનગરપાલિકાનું મિલકત વેરાનું કુલ ઉઘરાણું ૮૦ કરોડ રૂપિયા છે અને કુલ ૧.૭૫ લાખ મિલકતધારકો છે. અત્યારસુધીમાં આ પૈકી ૮૨ હજાર જેટલા મિલકતધારકોએ ૪૫ કરોડ રૂપિયાનો વેરો ચૂકવ્યો છે જેથી હજુ પણ ૩૫ કરોડ રૂપિયાની ઉઘરાણી બાકી છે. વેરા અંગેના કાયદાના નિયમો મુજબ આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા વેરાની વસૂલાત વધુ સઘન બનાવવામાં આવશે.શરૂઆતના તબક્કે વેરાના બિલો સમયસર નહીં મળતા અને ઓનલાઇન પેમેન્ટમાં પણ ખામી સર્જાવાના કિસ્સાઓ બનતા વેરા વસૂલાતને ભારે અસર થઇ છે. ત્યારે હવે શક્ય એટલી વધુ વસૂલાત થાય તે માટેના પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે.મિલકત વેરા માટેનું અલાયદું સોફ્ટવેર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વોટ્સએપ પર બિલો મળી જાય અને લિન્ક મારફતે ઓનલાઇન પેમેન્ટ સરળતાથી થઇ શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ હશે. આગામી દિવસોમાં આ સોફ્ટવેર કાર્યરત કરી દેવાશે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૧૦ ટકાની વેરા વળતર યોજના અમલમાં મૂકવામાં આવી હતી તે સમય દરમિયાન વેરાની વસૂલાતને સારો પ્રતિભાવ મળ્યો હતો. આ યોજના ૩૦ જૂન સુધી લંબાવવામાં આવી હતી તે દરમિયાન ૪૩ કરોડ રૂપિયાની વસૂલાત થઇ હતી પરંતુ તે પછી યોજના પુરી થઇ ગયા બાદ વસૂલાત ધીમી પડી છે. ગત જુલાઇ મહિનામાં માત્ર ૨ કરોડ રૂપિયાની જ વસૂલાત થઇ છે.