અહેવાલ – ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
આ સેન્ટરમાં દિવ્યાંગજનો માટે ટૂંક સમયમાં ગ્રેજ્યુએશન કક્ષાના કોર્સ પણ શરૂ થશે : છેલ્લાં ૩ વર્ષમાં ૧૭૭૬ દિવ્યાંગજનોને રૂ. ૧.૪૧ કરોડના ખર્ચે ૨,૩૯૧ સહાય અને ઉપકરણોનું વિતરણ
ગાંધીનગર
દેશના દિવ્યાંગોના સર્વાંગી ઉત્થાન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ બનાવવામાં આવી છે અને અનેક નક્કર નિર્ણયો પણ લીધા છે, જેનું તાજું ઉદાહરણ આપણી સમક્ષ છે. ગુજરાત રાજ્યમાં દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રૂ. ૧૬ કરોડના ખર્ચે ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC)નું નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટર અંદાજિત ૨.૧૫ એકરમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં દિવ્યાંગજનોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે અંદાજિત ૪૫ જેટલા રૂમ ઉપલબ્ધ છે. આ અંગે વાત કરતા સી.આર.સીના ઇન્ચાર્જ ડિરેકટર ડો. અજીતસિંઘે જણાવ્યું હતું કે, આ સી.આર.સી સેન્ટરમાં દિવ્યાંગજનો માટે વિવિધ સુવિધાઓ જેમ કે સ્પેશિયલ એજ્યુકેશન સેવા, મનોવૈજ્ઞાનિક સેવા, વાણી તથા શ્રવણ અર્થેની સેવાઓ, બેરા ટેસ્ટ, વ્યાવસાયિક ઉપચાર સેવા, પ્રોસ્થેટીક્સ અને ઓર્થોટીક સેવાઓ, ફિઝિયોથેરાપી સેવાઓ, ઓક્યુપેશન થેરાપી, તાલીમ અર્થેની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સેન્ટર દ્વારા સાધન સહાય જેમ કે, વિહીલ ચેર, ટ્રાઈસાયકલ, ઘોડી, બેટરી સંચાલિત ટ્રાઈસાયકલ, કૃત્રિમ હાથ-પગ બનાવી આપવા, બહેરાશ માટે કાનનું મશીન, માનસિક દિવ્યાંગ બાળક માટે એજ્યુકેશન કિટ (TLM), દૃષ્ટીહીન દિવ્યાંગજનને લેપટોપ તથા મોબાઈલ તથા અન્ય સહાય આપવામાં આવે છે.દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અંતર્ગત દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ ભારત સરકાર દ્વારા દરેક રાજ્યમાં એક કંપોઝિટ રિઝનલ સેન્ટર ફોર રિહેબિલિટેશન સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી (CRC) શરૂ કરાયું છે. આ સેન્ટરમાં દિવ્યાંગોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા અને તેમના વિકાસ માટે વિવિધ કામગીરી કરે છે. નોંધનીય છે કે અગાઉ શહેરના ઓઢવ ખાતે છેલ્લાં 10 વર્ષથી CRC સેન્ટર ચાલતું હતું. જગ્યા ઓછી હતી, એને જોતાં કેન્દ્ર સરકારે આધુનિક સુવિધાઓવાળું CRCનું નવુ બિલ્ડિંગ બનાવાનું આયોજન કર્યું. જેના ભાગરૂપે ઓઢવ ભિક્ષુકગૃહ પાસે રૂ.16 કરોડના ખર્ચે આ સેન્ટરનું નવું બિલ્ડિંગ તૈયાર કરાયું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સેન્ટરમાં દિવ્યાંગોને સાધન સહાયથી લઇને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવામા આવશે.
છેલ્લાં ૩ વર્ષોમાં કુલ ૫,૬૪૦ દિવ્યાંગજનોએ સેવાનો લાભ લીધો
સૌથી ખાસ વાત એ પણ છે કે, સી.આર.સી. અમદાવાદ દ્વારા છેલ્લાં ૩ વર્ષોમાં કુલ ૫,૬૪૦ દિવ્યાંગજનો દ્વારા સેવાનો લાભ લેવામાં આવ્યો છે, જેમાં સેન્ટર ઉપર તથા ગુજરાતનાં વિવિધ વિસ્તારમાં કેમ્પનું આયોજન કરીને ૧૭૭૬ દિવ્યાંગજનોને ૨૩૯૧ સાધન વિતરણ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ગ્રેજ્યુએશન કક્ષાના કોર્સ પણ શરૂ થશે.આ સેન્ટર દ્વારા સ્પેશિયલ એજ્યુકેશન શિક્ષકો તૈયાર કરવા RCI માન્ય ડિપ્લોમાં કોર્સ ચલાવામાં આવે છે. ટૂંક સમયમાં ગ્રેજ્યુએશન કક્ષાના કોર્સ પણ શરૂ થશે. આ સેન્ટર દ્વારા દિવ્યાંગજનને વ્યાવસાયિક તાલીમ આપીને તેઓ સ્વનિર્ભર બની શકે, તે અંગેનું ઉમદા કાર્ય પણ હાથ ધરવામાં આવે છે. દિવ્યાંગજનોને કેન્દ્ર કે રાજ્ય સરકારશ્રી દ્વારા મળતી તમામ સેવાઓની માહિતી મેળવવાનું કેન્દ્રબિંદુ છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૭૭૬ દિવ્યાંગજનોને રૂ. ૧.૪૧ કરોડના ખર્ચે ૨,૩૯૧ સહાય અને ઉપકરણોનું વિતરણ
સી.આર.સીના ઇન્ચાર્જ ડિરેકટર શ્રી ડો. અજીતસિંઘે કહ્યું કે, દિવ્યાંગોના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવાથી લઇને તેઓને પગભર બનાવવાની અથાગ મહેનત સી.આર.સી. દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહીં, અમે છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૭૭૬ દિવ્યાંગજનોને રૂ. ૧.૪૧ કરોડના ખર્ચે અંદાજિત ૨,૩૯૧ સહાય અને ઉપકરણોનું વિતરણ કર્યું છે.
કેમ્પની રાહ જોયા વિના દિવ્યાંગોને સાધન સહાય મળશે
અત્યારસુધી મોટાભાગના દિવ્યાંગોને કૃત્રિમ હાથપગ, વ્હીલચેર, ટ્રાઇપોડ, ટ્રાયસીકલ, મોટરવાળી ટ્રાઇસિકલ, કાનના મશીન સહિતના સાધનો લેવા માટે કેમ્પો લાગે તેની રાહ જોવી પડતી હતી. પરંતુ CRC સેન્ટરમાં હવે ગમે ત્યારે દિવ્યાંગો જઇને વ્હીલચેર, ટ્રાયસિકલ સહિતનાં સાધનોની સહાય મેળવી શકશે. આ ઉપરાંત અમે રાજ્યમાં વિવિધ જગ્યાએ જઇને કેમ્પો કરીને સાધન સહાય કરીશુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC) અમદાવાદની સ્થાપના 16મી ઓગસ્ટ, 2011ના રોજ અલી યાવર જંગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ ડિસેબિલિટીઝ (દિવ્યાંગજન) મુંબઈના વહીવટી નિયંત્રણ હેઠળ કરવામાં આવી છે, જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અંતર્ગત દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ ભારત સરકાર હેઠળની સ્વાયત્ત સંસ્થા છે.