ગત રવિવારે મહાનગરપાલિકા અને નગરપાલિકા પેટાચૂંટણી યોજાઇ હતી, જેનું પરિણામ આજે જાહેર થયું છે. પેટા ચૂંટણી કોઇક બેઠક પર રાજીનામુ આપવાથી તો કોઇક બેઠક પર ચૂંટાયેલા પ્રતિનિધિનું અવસાન થવાથી તો કોઇ બેઠક પર પક્ષાંતર ધારો લાગુ થવાથી પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 30 બેઠકોમાંથી 21 બેઠક પર ભાજપનો પ્રચણ્ડ વિજય થયો છે. જ્યારે 8 બેઠક પર કોંગ્રેસ સમેટાઇ ગઇ છે અને એક માત્ર બેઠક અપક્ષના ફાળે ગઇ છે. એકંદરે 70 ટકા બેઠક ભાજપને મળી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે જેમણે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યુ છે તેમને પેટાચૂંટણીમાં 3 બેઠક પર કોંગ્રેસને ડિપોઝીટ જપ્ત થઇ છે. જેમાં રાજપીપળા, બારેજા અને પાલીતાણા સામેલ છે. તો આપ પાર્ટીની 5 બેઠકો પર ડિપોઝીટ જપ્ત થઇ છે. પોરબંદર જે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો ગઢ છે ત્યા ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠક પર ભાજપે જીત મેળવી છે. આમ, 30 પૈકી કુલ 8 બેઠકો જે અન્ય પાસે હતી જેમા ભાજપનો વિજય થયો છે. 29 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. આજે રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની પેટાચૂંટણી મામલે BJP એ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. જેમાં ભાજપના મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં મતદારોનો આજે પણ ભાજપ પ્રત્યેનો વિશ્વાસ અકબંધ છે. પરિણામ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાજપ માટે આજે પણ લોકોનો પ્રેમ છે. નરેન્દ્ર મોદી જે રીતે દેશનો વિકાસ આગળ વધારી રહ્યા છે, જનતાએ ફરી વખત ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે. હું ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવું છું. 31 માંથી 21 બેઠક ભાજપના ફાળે ગઈ છે. મુન્દ્રા બેઠક આઝાદી પછી પહેલી વખત ભાજપના ફાળે આવી છે. પાલીતાણા જેવી બેઠક ઉપર કોંગ્રેસ પોતાની ડિપોઝીટ બચાવી શક્યું નથી. ભૂતકાળની પાર્ટીઓથી લોકો કંટાળ્યા છે.