વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.
આ ઉપક્રમનાં ત્રીજાતબક્કામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. ૧૧૧૩કરોડના કુલ રોકાણો સાથે ૪ જેટલા MoU મંગળવાર, ૮ ઓગષ્ટે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.કેમિકલ સેક્ટરમાં કુલ ૩૦૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૧ ઉદ્યોગગૃહે MoU કર્યા હતા. તદ્નુસાર, મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન લિમિટેડ સાણંદમાં નેનો પ્રવાહી ખાતરનો પ્લાન્ટ ૨૦૨૫-૨૬ સુધીમાં શરૂ કરશે. ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ. જે. હૈદરે રાજ્ય સરકાર વતી અને ઉદ્યોગગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.
પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા આ MoU સાઈનીંગના ઉપક્રમની ત્રણ કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. ૩૮૭૪ કરોડના રોકાણોના ૧૪MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે. તદ્નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-૨૧૦૦, એન્જિનિયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૩૦૮૫ સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.
રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમીનીસ્ટ્રેશન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છે તેની આ ઉદ્યોગકારોએ સરાહના કરી હતી.મંગળવારે ૮ ઓગષ્ટે થયેલા MoU અનુસાર સાણંદ, ડેસર-વડોદરા, પીપોદરા-સુરત તેમજ વલસાડના ડુંગરીમાં ૨૦૨૪-૨૫-૨૬ સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે ચાર MoU થયા છે.આ MoU અનુસાર વન્ડર સિમેન્ટ લિમિટેડ ગુજરાતમાં પોતાનો પ્રથમ પ્રોજેક્ટ ડેસર તાલુકાના તુલસી ગામમાં રૂ. ૫૫૦ કરોડના રોકાણ સાથે શરૂ કરશે અને પચાસ લોકોને રોજગારી આપશે.
આ ઉપરાંત હમી વેવેલન પ્રાઈવેટ લિમિટેડ સુરતના માંગરોળ તાલુકાના પીપોદરામાં વિસ્કોસ સ્ટેપલ યાર્ન અને પોલિસ્ટર સ્ટેપલ યાર્નનો પ્રોજેક્ટ ૧૧૪ કરોડ રૂપિયાના રોકાણથી શરૂ કરવાની છે. આ પ્રોજેક્ટથી ૩૦૦ જેટલા લોકોને રોજગાર અવસર મળશે.એટલું જ નહિ, મોરાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ, વલસાડ જિલ્લાના ડુંગરીમાં ૧૪૯ કરોડના રોકાણથી ઈન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના કરશે અને અંદાજે ૩૫૦૦ જેટલા રોજગાર અવસરનું નિર્માણ થશે.આ MoU સાઈનીંગ અવસરે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનરશ્રી સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર શ્રી કુલદીપ આર્ય તથા ઈન્ડેક્ષ-બીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.