લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માતૃભૂમિ માટે શહાદત વહોરનારા વીરોનાં બલિદાનને યાદ કરવાનું જનઅભિયાન આઝાદીનાં અમૃતકાળમાં ઉપાડ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” અભિયાનનો તાપી જિલ્લામાંથી રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે એમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તાપીની પવિત્રભૂમિ પરથી રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા આ અભિયાનનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું.
આદિજાતી જિલ્લા તાપીના સોનગઢ તાલુકાની ગુણસદા પ્રાથમિક શાળા ખાતેથી “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમનાં રાજ્યવ્યાપી શુભારંભ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં આજથી “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમનો પ્રારંભ થયો છે તેમાં આદિવાસી વિસ્તાર તાપીથી જોડાવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણા દેશની માટીમાં જન્મ લઈને આ માતૃભૂમિની આઝાદી અને રક્ષા કાજે શહીદી વહોરી અમર ઈતિહાસનું સર્જન કર્યું છે એવા વીરોની વંદના કરવાની તક આપણને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટીવંત નેતૃત્વમાં મળી છે એમ તેમણે ઉમેર્યું હતું.
દેશનાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીનાં અમૃતકાળમાં જે પંચ પ્રણ દેશવાસીઓને આપ્યા છે તેમાં વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામીની માનસિકતા માંથી સ્વતંત્રતા, ભારતના સમૃદ્ધ વારસા પર ગર્વ અને તેનું સંરક્ષણ, દેશની એકતા અને એકસૂત્રતા તથા નાગરિકોમાં ફરજ અને જવાબદારીની ભાવના અંગે સૌને જાગૃત થઈ આ મહાઅભિયાનમાં જોડાઈને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરવાનું આહવાન કર્યું હતું. આઝાદીની ચળવળમાં ગુજરાતના અનેક આદિજાતિ વિરલાઓએ આપેલા બલિદાનનું સ્મરણ કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ આદિવાસી દિન અને “મેરી માટી મેરા દેશ” શુભારંભ પ્રસંગે આ વીરોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ શાળાના પ્રાંગણમાં ‘શિલાફલકમ’નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે મુઠ્ઠીભર માટી કળશમાં અર્પણ કરી કળશ યાત્રાનું પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ વેળા માટીનો દિવો હાથમાં રાખી પંચપ્રણ પ્રતિજ્ઞા લેવા અને દિવા સાથે સેલ્ફી લઇ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરીને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરવાના આ મહાઅભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
“મેરી માટી મેરા દેશ” કાર્યક્રમનાં આ અવસરે તેમણે મુળ તાપી જિલ્લાના ચચરબુંદા ગામના અને દેશની સુરક્ષા માટે ફરજ બજાવીને હાલ નિવૃત્ત થયેલા સી.આર.પી.એફ જવાન દિનેશભાઇ હોલ્લાભાઇ ગામીત અને ગુણસદાના પટેલ ફળીયાના રહેવાસી સુરેશભાઇ છનાભાઇ ગામીતને પ્રસસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માનિત કર્યા હતા. આ સાથે ગુણસદા પ્રાથમિક શાળા ખાતે ‘વસુધા વંદન’ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ૭૫ જેટલાં ફળાઉ અને ઔષધિય રોપાઓનું વાવેતર કરી ‘અમૃત વાટિકા’ નાં નિર્માણનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ વેળાએ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી, રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ. જયરામભાઈ ગામીત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, નાયબ વન સરક્ષકશ્રી પુનિત નૈયર સહીત અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગે સ્વાગત પ્રવચન કરતા કાર્યક્રમનો આશય સ્પષ્ટ કર્યો હતો. આભાર વિધિ જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે આટોપી હતી. કાર્યક્રમના અંતે પોલીસ બેંડની સુરાવલી સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.