જુનાગઢમાં પોલીસના માર બાદ પોલીસ કર્મચારીના મોતની જે ભેદી ઘટના બની હતી. પોલીસ પર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા જેમાં અમદાવાદ કોર્ટેના જસ્ટિસ સમીર જે. દવેએ આ બનાવ વખતે જે ઇન્ચાર્જમાં હતા તે જૂનાગઢ ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પીઆઇ એમ.એમ.વાઢેરને આવતીકાલે સવારે 11 વાગ્યે રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. જસ્ટિસ સમીર જે.દવેએ જૂનાગઢ પોલીસની આકરી ટીકા કરતા કહ્યું કે, ‘આ કેસમાં ડીવાયએસપી સામે ગંભીર આક્ષેપો છે અને પોલીસ કથિત મર્ડર કેસમાં પણ તપાસનું નાટક કરે છે, કેસની કોઇ ગંભીરતા છે કે નહી ? આ તમારા ડિપાર્ટમેન્ટના જ એક કર્મચારીના મોતનો મામલો છે.’ જૂનાગઢ પોલીસમાં ડેપ્યુટેશન પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં બ્રીજેશભાઇ લાવડિયાની જૂનાગઢના વંથલી પોલીસ મથક વિસ્તારની એક વાડીમાંથી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી. જો કે, તેમના શરીર પર માર માર્યાના બહુ ગંભીર નિશાન મળી આવ્યા હતા. શરીર એટલા બધા સોળ પડેલા હતા કે, તેમનું માર મારવાના કારણે મૃત્યુ થયુ હોવાની આશંકા જન્મી હતી. મૃત્યુ પહેલાં બ્રીજેશભાઇએ તેમના પુત્રને ફોન કરી જાણ કરી હતી કે, ‘તેમને બહુ માર મારવામાં આવ્યો છે અને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તું તારી માતાનું ધ્યાન રાખજે, એ પછી ફોન કટ થઇ ગયો હતો’ પોતાના પિતાની રહસ્યમય સંજોગોમાં મળેલી લાશ પ્રકરણમાં તેમના પુત્ર દ્વારા ન્યાયિક તપાસ માટે હાઇકોર્ટમાં રિટ અરજી કરાઇ છે. હાઇકોર્ટના હુકમ અનુસંધાનમાં અદાલત સમક્ષ હાજર રહેલા જૂનાગઢ એસપી હર્ષલ મહેતા અને પીઆઇએ તેઓ હમણાં જ અહીં પોસ્ટીંગમાં આવ્યા હોવાથી તેમને કેસ સંબંધી જાણકારી નહી હોવાનો બચાવ રજૂ કર્યો હતો. જેથી જસ્ટિસ સમીર જે.દવેએ તેઓને આ કેસ સંદર્ભે તાત્કાલિક કાયદાનુસાર કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો હતો અને તા.18મી ઓગસ્ટે નક્કર મટીરીયલ્સ સાથે રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. પોલીસ તરફથી બચાવ રજૂ કરાયો હતો કે, અમે FSL રિપોર્ટ અને વિશેરા રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ પછી આગળની કાર્યવાહી કરીશું. જેથી જસ્ટિસ સમીર જે.દવેએ પોલીસનો ઉધડો લેતાં જણાવ્યું કે, ‘માર્ચ મહિનાનો બનાવ છે અને તમે છેલ્લા પાંચ મહિનાથી તપાસનું નાટક જ કરી રહ્યા છો?’ પોલીસ ડિપાર્ટમેન્ટના જ કોઇ કર્મચારી પર આટલો અત્યાચાર એ બહુ ગંભીર બાબત છે. વધુમાં તેમણે કહ્યું કે તેમણે આત્મહત્યા કરી કે તેમને તેમ કરવા મજબૂર કરાયા તે અલગ વાત છે પરંતુ તેમના શરીર પર માર માર્યાના જે નિશાન મળ્યા છે તે જોયા તમે? કોર્ટે કહ્યું ફોટોગ્રાફ્સ જુઓ જરા, તો ખબર પડે, તમને કંઇ ખબર પડે છે? કેસની કોઇ ગંભીરતા છે કે નહી ? પ્રસ્તુત કેસમાં ડીવાયએસપી સામે આ પ્ર્કરના ગંભીર આક્ષેપો થયા છે. બધુ તેમની હાજરીમાં જ થયુ લાગે છે તેવી બહુ ગંભીર માર્મિક ટકોર પણ હાઇકોર્ટે કરી હતી. દરમ્યાન જસ્ટિસ સમીર જે.દવેએ CCTV ફુટેજ વિશે પૃચ્છા કરતાં હાજર ડીએસપી અને પીઆઇએ જણાવ્યું કે, સીસીટીવી ફુટેજીસ જે તે વખતે ઇન્ચાર્જ ડીવાયએસપીએ રજૂ કર્યા હતા, અમારી પાસે નથી. હાઇકોર્ટે એવો પણ સવાલ કર્યો કે, આ કેસની તપાસ કોણ કરશે ? કારણ કે, આ કેસમાં પીઆઇ, ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો છે તો શું તપાસ પણ તેઓ જ કરશે ? જેથી હાજર ઉચ્ચ પોલીસ અધિકારીઓ કંઇ બોલી શકયા ન હતા. હાઇકોર્ટે સમગ્ર કેસમાં પોલીસની બહુ ગંભીર બેદરકારી અને ઢાંકપિછોડો કરવાની માનસિકતાની આલોચના કરી આ બનાવ વખતે તપાસમાં કયા ડીએસપી અને પીઆઇ હતા ? તેવી પૃચ્છા કરતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જણાવાયું કે, એ વખતે ઇન્ચાર્જમાં રવિ તેજા વાસમ શેટ્ટી ડીએસપી હતા અને પીઆઇ તરીકે એમ.આમ.વાઢેર હતા તેથી જસ્ટિસ સમીર જે.દવેએ તત્કાલીન ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પીઆઇ એમ.એમ.વાઢેરને આવતીકાલે સવારે 11 વાગ્યે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું હતું.