કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનીવારે તમિલનાડુના નીલગિરી જિલ્લામાં ટોડા સમુદાયના સભ્યો સાથે હળવાશની પળો માણી હતી. આ દરમિયાન તેમણે ટોડા લોકોના દેવતા મંદિરમાં દર્શન કર્યા અને તેમની સાથે ડાન્સ પણ કર્યો હતો. મોદી સરનેમ માનહાનિ કેસમાં દોષસિદ્ધી પર સુપ્રીમકોર્ટે રોક લગાવ્યા બાદથી રાહુલ ગાંધી પહેલીવાર તેમના મતવિસ્તાર વાયનાડ જઈ રહ્યા હતા. આ દરમિયાન જ તેમણે આદિવાસી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરવા માટે મુથુનાડુમાંડુમાં રોકાણ કર્યું હતું.
આ અવસરે ટોડા સમુદાયની મહિલાઓએ પ્રાર્થના કરી કે રાહુલ ગાંધી આગામી વખતે વડાપ્રધાન તરીકે આ સ્થળની ફરી મુલાકાત લે. દેશમાં આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. કોઈમ્બતૂરથી બાય રોડ અહીં આવનારા રાહુલ ગાંધીને ભેટમાં શૉલ અપાઈ હતી. રાહુલ ગાંધીએ આ દરમિયાન ટોડા આદિવાસીઓ સાથે નૃત્ય કર્યું અને તેમના પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો.