કર્ણાટકના રાયચુર બાદ હવે મેંગલુરુમાં માસૂમ બાળકોને નશામાં ચોકલેટમાં નશીલી દવા વેચવાની ઘટના સામે આવી છે. આ મામલો એવા સમયે પ્રકાશમાં આવ્યો જ્યારે બાળકોને આ પ્રકારની ચોકલેટ ખૂબ જ પસંદ હતી અને તેઓ માતા-પિતા પાસે આ ચોકલેટ જ ખાવાની માંગ કરી રહ્યા હતા. જ્યારે માતા-પિતાને આ અંગે કંઇક ખોટું લાગ્યું તો આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં કર્ણાટકની મેંગલુરુ ઉત્તર પોલીસે બે દુકાનોના માલિકોની ધરપકડ કરી છે.
એક ખાનગી વેબસાઈટ મુજબ આ પ્રકારની ચોકલેટ બાળકોને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી હતી કે જેમાં ગાંજો હતો. આશ્ચર્યની વાત એ છે કે દુકાનદારો ચોકલેટ દ્વારા બાળકોને ગાંજો આપી રહ્યા હતા. આ દરમિયાન માતા-પિતા તેને ખાનારા બાળકોના વર્તનમાં ફેરફાર જોઈ રહ્યા હતા. વિગતો મુજબ દુકાનદારો આ ચોકલેટ રૂ.20ના ભાવે વેચતા હતા. બાળકો વારંવાર આની માંગણી કરતા હતા. આમાં કંઇક ખોટું થયાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ તરફ મેંગલુરુ પોલીસે બંને દુકાનો પર દરોડા પાડ્યા હતા. આ પછી પોલીસે કુલ 120 કિલો ગાંજાવાળી ચોકલેટ જપ્ત કરી છે. પોલીસે એક દુકાનમાંથી 85 કિલો અને બીજી દુકાનમાંથી 35 કિલો ચોકલેટ જપ્ત કરી હતી. આ કેસમાં પોલીસે બંને આરોપી દુકાન માલિકોની ધરપકડ કરી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
મેંગલુરુ પોલીસ કમિશનર કુલદીપ જૈને કહ્યું કે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં ગાંજાની હાજરીની પુષ્ટિ થઈ છે. ચોકલેટ ઉત્તર ભારત ખાસ કરીને ઉત્તર પ્રદેશ પાસેથી ખરીદવામાં આવી રહી હતી. આ મામલે દુકાન માલિકો અને અન્યોની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દુકાન માલિકોમાંથી એકની મેંગલુરુ ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાંથી અને બીજાની મેંગલુરુ દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાંથી ધરપકડ કરવામાં આવી છે.
તાજેતરમાં રાયચુરમાં પણ આવી જ કઈક ઘટના સામે આવી હતી. જેમાં નશીલી દવાઓથી ભરેલી ચોકલેટ વેચવા બદલ બે દુકાનદારોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને આશંકા છે કે, આ જપ્તીઓ મોટા રેકેટનો ભાગ હોઈ શકે છે અને માસ્ટરમાઇન્ડ અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની ધરપકડ કરવા માટે સઘન તપાસ કરી રહી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, આવી ચોકલેટનું વેચાણ ચિંતાજનક છે અને આ ટ્રેન્ડ ખતરનાક બની શકે છે. આવી ઘટના અંગે બાળરોગ નિષ્ણાંતે જણાવ્યું હતું કે, એક વખત બાળકો નશાની લતનો શિકાર બની જાય છે, તો તેમાંથી છુટકારો મેળવવો આપણા માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એટલા માટે માતા-પિતાએ જોવું જોઈએ કે બાળકો શું ખાય છે અને તેમને સંતુલિત માત્રામાં વસ્તુઓ આપવી જોઈએ.