મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ગુજરાતમાં કોવિડ-19ના સંક્રમણ સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી અને જાણકારી મેળવવા અમદાવાદની મૂલાકાતે આવેલા ભારત સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ શ્રી લવકુમાર અગ્રવાલ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોરોના કોવિડ-19ના નવા દર્દીઓની સાપેક્ષમાં સારવાર લઇને સાજા થઇ ઘરે પરત જઇ રહેલા વ્યકિતઓની વધતી સંખ્યા અંગે વિસ્તૃત વિગતો આ બેઠકમાં આપી હતી.
ગુજરાતમાં રિકવરી રેટ ૭ર ટકા જેટલો છે. એટલું જ નહિ, એકટીવ પેશન્ટસ કેસોના સાડા ત્રણ ગણાં લોકો સારવાર-સુશ્રુષાથી સાજા સારા થઇ ગયા છે તેની સંપૂર્ણ માહિતી કેન્દ્રીય આરોગ્ય સંયુકત સચિવને આ બેઠક દરમ્યાન આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત હવે દેશભરમાં એકટીવ કેસની સંખ્યામાં પાંચમા ક્રમે આવી ગયું છે તે અંગેની જાણકારી પણ આપી હતી.
કેન્દ્રીય સંયુકત સચિવ શ્રી લવકુમાર અગ્રવાલે રાજ્ય સરકારે અનલોક-૧ ની સ્થિતીમાં કોરોના-કોવિડ-19 સંક્રમણનો વ્યાપ ફેલાતો અટકાવવા લીધેલા આરોગ્યલક્ષી પગલાંઓ, સઘન સર્વેલન્સ અને કલીનીકલ ટ્રીટમેન્ટની જે વ્યવસ્થાઓ ગોઠવી છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણીને સંતોષ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી લવકુમાર અગ્રવાલને સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડનું નિરીક્ષણ કરાવીને ત્યાં સારવાર લઈ રહેલા સંક્રમિત દર્દીઓની સારવાર સુશ્રુષાની ઝીણવટભરી જાણકારી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો તેમજ પેરા મેડિકલ સ્ટાફની કામગીરી અંગે પણ સી.એમ. ડેશબોર્ડની વીડિયો વોલ મારફતે કેન્દ્રીય સંયુક્ત સચિવને નિરીક્ષણ મુલાકાત કરાવી હતી.
કેન્દ્રીય આરોગ્ય સંયુક્ત સચિવ આ અભિનવ પહેલ અને કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવારના મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી સીધા જ મોનીટરીંગની આ વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા.
મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે.કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, સચિવ શ્રી હારિત શુકલા સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.