અમદાવાદમાં ગેરકાયદે હથિયારો વેચવા મામલે રોજ નિતનવી કડીઓ ખૂલી રહી છે. એલસીબી ઝોન 2 અને સોલા પોલીસે આ કેસમાં વધુ ત્રણ લોકોની જમ્મુથી ધરપકડ કરી છે. જેમા નિવૃત આર્મી જવાન રસપાલ, ગન શોપ મેનેજર સંજીવ અને ગનશોપ માલિક ગૌરવની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધીમાં 16 હથિયાર ગુજરાતમાં વેચ્યા હોવાનો પોલીસ પૂછપરછમાં ખૂલાસો થયો છે. અગાઉ મુખ્ય ત્રણ આરોપી સહિત 9 લોકોની ધરપકડ કરાઈ છે. તે સમયે પોલીસે 9 જેટલા હથિયાર જપ્ત કર્યા હતા.
આરોપીઓ સોશિયલ મીડિયા ગૃપ બનાવી હથિયાર વેચવાનું નેટવર્ક ઉભુ કર્યુ હતુ. બે વર્ષમાં 800થી પણ વધુ હથિયારો ગન હાઉસમાં વેચાયા છે. ગેરકાયદે હથિયારોનું દેશવ્યાપી નેટવર્ક સામે આવતા પોલીસે ગનના લાઈસન્સની તપાસ શરૂ કરી છે. ગેરકાયદે હથિયારો વેચવાના રેકેટમાં વધુ એક નિવૃત આર્મી જવાન પોલીસ સકંજામાં આવ્યો છે. જમ્મુના ગન હાઉસના માલિક સાથે મળીને ગેરકાયદે હથિયાર અને ડુપ્લીકેટ લાયસન્સ આપવાનુ રેકેટ શરૂ કર્યુ હતુ. જેમા પોલીસે જમ્મુકાશ્મીરથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
પકડાયેલ 3 આરોપી માં નિવૃત આર્મી જવાન રસપાલકુમાર આસામ રાઈફલ્સમાં સૈનિક તરીકે ફરજ બજાવતો તે સમયે મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીના સર્પકમાં આવ્યો હતો. આ બન્નેએ જમ્મુ ખાતે આવેલા મહેન્દ્ર કોતવાલ ગન શોપમાંથી હથિયારો ખરીદ્યા હતા. જે ગેરકાયદે હથિયાર ખરીદી આરોપી પ્રતીક ગુજરાતમાં લાવતો અને તેનું ઓલ ઓવર ઇન્ડિયાનું ડુપ્લીકેટ લાઇસન્સ બનાવતો હતો. જે બાદ ગુજરાતમાં હથિયાર ગેરકાયદે વેચતો હતો. મહત્વનું છે હથિયારના લાઇસન્સ સાથે હથિયાર ખરીદવા માટે જે તે લાઇસન્સ ધારકે હાજર હોવું જોઈએ પણ ગન શોપના માલિક અને મેનેજર રજિસ્ટરમાં અલગ અલગ આર્મી જવાનોની ખોટી સાઈન અને એન્ટ્રી કરી હથિયારો ગેરકાયદે વેંચતા હતા.
સોલા પોલીસે જમ્મુ કશ્મીરમાં સર્ચ કરીને અલગ અલગ રજિસ્ટ્રાર અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. રજિસ્ટ્રારમાં આરોપીઓ દ્વારા નિવૃત આર્મી જવાન લાઇસન્સ મેળવી ગેરકાયદેસર હથિયારો ખરીદ્યા હોવાના પુરાવા મળ્યા છે. આ તમામ ડોક્યુમેન્ટ એફ.એસ.એલ. મોકલીને તપાસ શરૂ કરી. જોકે જમ્મુમાં આરોપી રસપાલકુમારના ઘરે સોલા પોલીસ પકડવા પહોંચી ત્યાં 3 જેટલા ડોગ રાખ્યા હતા. જેથી કોઈ તેને પકડી ના શકે.
આ હથિયારના નેટવર્કની તપાસમાં સામે આવ્યું કે છેલ્લા 8 માસથી આ કારોબાર ધમધમી રહ્યો હતો. મહેન્દ્ર કોતવાલ ગન હાઉસમાં બે વર્ષમાં 800 થી વધુ હથિયારનું વેચાણ થયું છે. જેમાં કેટલાક ગેરકાયદે લાઇસન્સ હથિયાર આપ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. અગાઉ જે ડુપ્લીકેટ લાઇસન્સ મળી આવ્યા છે, જેમાં D.M કઠવા ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટની સહી હતી પરતું આવા કોઈ અધિકારી જમ્મુ કશ્મીરમાં નહિ હોવાનું ઘટસ્ફોટ થયો છે. આ રેકેટનો માસ્ટર માઈન્ડ નિવૃત આર્મી જવાન પ્રતીક ચૌધરી છે. જે જમ્મુ અને બારમુલાના નિવૃત્ત આર્મી જવાન હથિયાર લાઇસન્સ મેળવીને હથિયારનો કારોબાર કરતો હતો.
આરોપી પ્રતીક સાથે રસપાલ ,જતીન પટેલ અને બીપીન મિસ્ત્રી તેમજ ગન હાઉસના માલિકોની સંડોવણી ખુલતા પોલીસે આ નેટવર્કના સંડોવાયેલા તમામ આરોપીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે સોલા પોલીસ ચેકીંગમાં પ્રતીક ચૌધરી ગાડીમાં એક હથિયાર સાથે પકડાયો હતો. જેની તપાસમાં ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારનું વેચાણ નેટવર્ક સામે આવ્યું હતું. જેની તપાસમાં પ્રતીક હથિયાર અને ડુપ્લીકેટ લાઇસન્સ આપતો હતો અને જતીન અને બીપીન મિસ્ત્રી હથિયાર લેવા માટેના ગ્રાહકોને શોધતા હતા. જેમાં આરોપી જતીને સોશિયલ મીડિયામાં હથિયારના ખરીદ વેચાણ માટે એક ગૃપ પણ બનાવ્યું હતું.
ગેરકાયદે હથિયાર ખરીદનાર 6 જેટલા ગ્રાહકો સહિત 12 લોકોની પોલીસે ધરપકડ કરીને કુલ 11 હથિયાર અને 147 જીવતા કાર્ટુસ તેમજ 29 ફૂટેલા કારતુસ જપ્ત કર્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી 7 ડુપ્લીકેટ હથિયારનું લાયસન્સ પણ મળી આવ્યા હતા. જોકે ગન હાઉસ પાસેથી મળેલા રજિસ્ટ્રાર માં કુલ 15 ડુપ્લીકેટ લાઇસન્સ વાળા હથિયાર લીધા હોવાની હકીકત મળી આવી છે. જે તમામ વેરિફિકેશન કરતા ડુપ્લીકેટ લાઇસન્સ વાળા છે . જેથી ગન હાઉસના માલિક વેચલા 800 જેટલા હથિયારનું પોલીસ દ્વારા વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. હાલ પકડાયેલ 3 આરોપીમાંથી નિવૃત આર્મી જવાન રસપાલકુમાર એક હથિયાર પેટે 1 લાખ થી 4 લાખ લેતો હતો એટલુ જ નહીં ગન હાઉસના માલિકને એક હથિયારે બે લાખથી વધુના પૈસા મળતા હતા.
સોલા પોલીસની ટીમે જમ્મુ, કઠુવા અને બારામુલા જઈ તપાસ કરી હતી. જ્યાં કોઈ સરકારી કર્મચારીની સંડોવણી ખુલી નથી પરંતુ પકડાયેલ નિવૃત આર્મી જવાન રસપાલકુમાર અને ગન હાઉસના માલિકના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરવામાં આવશે. જોકે હથિયાર ના નેટવર્કમાં અનેક નવા ઘટસ્ફોટ થઈ શકે છે.