CBS લોસ એન્જલસે જણાવ્યું છે કે કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં બાઈકર્સ બારમાં ગોળીબારમાં 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. આ ફાયરિંગ એક નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા બારની અંદર જ કરવામાં આવ્યું હતું. આ ગોળીબાર ટ્રાબુકો કેન્યોનમાં કૂક્સ કોર્નર નામના બાઇકર્સ બારમાં થયો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યાં મુજબ ફાયરિંગ કરનારા આ નિવૃત પોલીસ અધિકારીનું પણ મોત થઇ ગયું છે. જો કે તે સ્પષ્ટ થયું નથી કે તેને પોતે ગોળી મારી છે કે પોલીસે કરેલા ગોળીબારથી તેનું મોત થયું છે. આ ઘટના નિવૃત પોલીસ અધિકારી અને તેમના પત્ની વચ્ચે ઘરેલું વિવાદને લઇને બની હોવાનું બહાર આવ્યું છે.
શૂટર વેન્ચુરા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત સાર્જન્ટ હતા.તેમણે 1984માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ફેબ્રુઆરી 2014માં નિવૃત્ત થયા હતા. ફાયરિંગ બાદ ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો.પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવા જણાવ્યું હતુ, સત્તાવાળાઓએ અલટોરો રોડ માટે એલર્ટ જારી કર્યું હતું અને આ વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. હાલમાં પોલીસે મૃતકોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.