ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આગામી 28 ઓગસ્ટના રોજ ગુજરાત આવશે. આ દરમિયાન અમિત શાહ ગાંધીનગર ખાતે યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. આ ઉપરાંત ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બદલ કેમ્પ હનુમાન મંદિર ખાતે આરતીમાં ભાગ લેશે. ગાંધીનગર ખાતે 28 ઓગસ્ટે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકના ઉદ્ધાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલીના ગૃહ મંત્રીઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રાજ્યો વચ્ચેના પડતર મુદ્દાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, આ મહિને જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેઓએ કચ્છ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. 2 દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન અમિત શાહે અનેક અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન અમિત શાહે કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. તો કચ્છના કંડલા અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધી હતી.