સીઆઇડી ક્રાઇમની ટીમે પાર્થ જાનીને ડિટેઈન કરી દરોડો પાડ્યો, વિરલ અને તેના બનેવી સહિતના છ લોકોના કેનેડાના ખોટા વિઝાના સ્ટેમ્પ મારેલા પાસપોર્ટ મળી આવ્યા

Spread the love

ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ અર્થે જઈ રહ્યા છે, સાથે કામ માટે પણ મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એક યુવક અને તેમનાં પરિવારજનો સાથે કેનેડાના વિઝાના નામે 48 લાખની છેતરપિંડી થતાં ચકચાર મચી છે. ગાંધીનગર ઝોન સીઆઈડી ક્રાઈમે ગાંધીનગર સ્થિત એજન્ટની ઓફિસમાં દરોડો પાડતાં બોગસ સ્ટેમ્પ મારેલા 6 વિઝા મળી આવ્યા હતા. સીઆઈડીએ તપાસ કરતાં આ રેકેટમાં ગાંધીનગર ઉપરાંત દિલ્હીના એજન્ટની પણ સંડોવણી ખૂલી છે. તપાસમાં આ મામલે વધુ કેટલાક ભોગ બનનારનાં નામો પણ સામે આવી શકે છે.
અમદાવાદના નરોડા કઠવાડા રોડ પર આવેલી શ્રીનાથ હાઇટ્સમાં રહી ઇલેક્ટ્રિકનો ધંધો કરતાં 33 વર્ષીય વિરલ બળદેવભાઇ પટેલના પરિવારમાં માતા પિતા, પત્ની શિવાની અને એક દીકરી છે. ગત ફેબ્રુઆરી 2023માં શ્રીનાથ સોસાયટીમા એક ફંક્શન હતું. એ વખતે સોસાયટીમાં મિત્રો સાથે કેનેડા જવાની વિરલે ચર્ચા કરી હતી. એ વખતે મયૂરભાઇ પટેલે જણાવ્યું હતું કે તેમના મિત્ર મહિનભાઇના પિતરાઇ ભાઇનાં મિત્ર પાર્થ દીપકકુમાર જાની નામના એજન્ટને ઓળખે છે. એ એજન્ટ કેનેડાના વર્ક પરમિટ વિઝા, એપોઇન્ટમેન્ટ લેટર અને પર્મન્ટ રેસિડન્સ પણ કરી આપે છે, આથી વિરલે વર્ક પરમિટ વિઝા માટે ગાંધીનગરનાં કુડાસણ ઊગતી કોર્પોરેટ પાર્કના બીજા માળે આવેલી પાર્થ દીપકકુમાર જાનીની પેલિકન ઇમિગ્રેશન કન્સલ્ટન્સીની ઓફિસે મુલાકાત કરી હતી, જ્યાં કેનેડા વિઝાની વાતચીત કરી વિરલ અને તેના બનેવી દર્શનભાઇ જયંતીભાઇ પટેલ (રહે. સરઢવ) સહિત કુલ છ વ્યક્તિઓના કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાનું તથા પીઆર કરાવી આપવાની લલચામણી ઓફર કરી એક ફેમિલીના 58 લાખ લેખે રૂ. 1 કરોડ 16 લાખ તેમજ ટિકિટના પૈસા અલગ ચૂકવવાની વાત કરી હતી.
વિરલે તેમના સગાંવહાલાં અને ફોઇબા પાસેથી થોડા થોડા કરીને ઉછીનાં નાણાં લઈ કુલ. 48 લાખ એજન્ટ પાર્થ જાનીને ચૂકવી દીધા હતા, પણ વાયદા મુજબ કેનેડાના વિઝા નહીં મળતાં પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી છતાં એજન્ટ પાર્થ જાનીએ પાસપોર્ટ કે પૈસા પરત કર્યા ન હતા, જેની વારંવાર ઉઘરાણી કરતાં એજન્ટ પાર્થ જાનીએ કેનેડાના વર્ક પરમિટ વિઝા મંજૂર થવાનું કહી વ્હોટ્સએપ પર 17 સપ્ટેમ્બર 2023ની કેનેડાની ટિકિટ મોકલી આપી હતી, જે ટિકિટના બુકિંગ રેફરન્સની ઓનલાઇન ચકાસણી કરતાં ટિકિટ ખોટી હોવાનું વિરલને જાણવા મળ્યું હતું. આ દરમિયાન પાર્થ જાનીના મિત્ર પ્રકાશભાઇ પટેલે સામેથી ફોન કરીને પાસપોર્ટ પરત જોઇતા હોય તો રૂ. 19 લાખની માગણી કરી હતી.વિરલ પટેલે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં અરજી કરી હતી, જે અનુસંધાને સીઆઇડી ક્રાઇમની ટીમે પાર્થ જાનીને ડિટેઈન કરી તેની પેલિકન ઇમિગ્રેશન કન્સલ્ટન્સી – ઘરે દરોડો – પાડવામાં આવ્યા હતા, જ્યાંથી વિરલ અને તેના બનેવી સહિતના છ લોકોના કેનેડાના ખોટા વિઝાના સ્ટેમ્પ મારેલા પાસપોર્ટ મળી આવ્યા હતા. આ પાર્થની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરેલી કે આ વિઝા ખોટા અને બનાવટી છે. આ બનાવટી વિઝા તેણે વસંતનગર દિલ્હી ખાતેના પોતાના મિત્ર અંશુમાન નેગી પાસે બનાવ્યા હતા.
સીઆઈડીની પ્રાથમિક તપાસમાં સામે આવેલી જાણકારી મુજબ પાર્થ જાની એક પાસપોર્ટ પર કેનેડાનો બનાવટી વિઝા સ્ટેમ્પ લગાવવા પેટે દિલ્હીના નેગીને સાડાચાર લાખ બેંક મારફત ટ્રાન્ફર કરતો હતો. આ સિવાય વિરલને વ્હોટ્સએપથી શેર કરેલી વર્ક પરમિટ અંગે ઇરવિન શિપિંગ બિલ્ડિંગ નામની કંપનીનો LMIA લેટર પણ દિલ્હીના એજન્ટ અંશુમાન નેગી એડિટિંગ કરી તૈયાર કરતો હતો તથા કેનેડા PRનો લેટર પણ બનાવટી હોવાની વધુમાં કબૂલાત કરી હતી. આમ, સીઆઈડી ક્રાઇમની તપાસમાં પાર્થ જાનીએ તેના મળતિયા પ્રકાશ કનુભાઈ પટેલ અને દિલ્હીના અંશુમાન નેગી સાથે મળીને કેનેડાના બનાવટી વિઝા સ્ટેમ્પ લગાવી લોકોની પાસેથી મોટી રકમ મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવતાં સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધી ઘનિષ્ઠ તપાસનો દૌર શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com