ગાંધીનગર જિલ્લામાં ભૂંડ પકડવાના બહાને બંધ મકાન – દુકાનોની રેકી કરી ઘરફોડ – વાહન ચોરીના ગુનાને અંજામ આપનાર ચીખલીગર ગેંગના પાંચ પૈકી ત્રણ સાગરિતોને લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 ની ટીમે ઝડપી પાડી ગાંધીનગર – મહેસાણામાં થયેલ ઘરફોડ – વાહન ચોરીના 14 ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. ત્યારે આ ગેંગ જેતે ગામની રેકી કરીને પહેલા વાહન ચોરી કર્યા પછી એજ વાહનનો ઘરફોડ ચોરીના ગુના આચારવામાં ઉપયોગ કરતી હોવાનું ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલવા પામ્યું છે.
ગાંધીનગર જીલ્લામાં વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ ખાસ એકશન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગ કરી પરીણામ લક્ષી કામગીરી કરવા એલસીબી પીઆઈ ડી બી વાળાને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
જે અન્વયે એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને વણ શોધાયેલ ગુના – મોડસ ઓપરેન્ડીનો અભ્યાસ કરતાં કલોલ તાલુકાના ગામોમા ઇકો ગાડી, બાઇક તેમજ ઘરફોડ ચોરીઓનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવતાં અત્રેના વિસ્તારમાં બાતમીદારોને એક્ટિવ કરવામાં આવ્યા હતા. અને પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે સઇજ ગામના બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપરથી શંકાસ્પદ લાલ કલરના બાઈક સાથે ત્રણ ઈસમોને કોર્ડન કરીને પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરતાં બાઈક ચોરી અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું.
બાદમાં પોલીસે ત્રણેયની કડકાઈથી પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ હથીયારસિંગ ઉર્ફે નુરીસિંગ સતનામસિંગ લુહારીયા(ચીખલીગર ) (રહે.કલોલ રેલ્વે, પાછળ, રામનગર બળીયાદેવ પાસે), દિલદારસિંગ તુફાનસિંગ બાવરી ( ચીખલીઘર) (રહે. વડોદરા શહેર વારસીયા,વીમા દવાખાનાની પાસે જીંડવાડા) તેમજ રૂપસિંગ ઉર્ફે રૂપલો બચ્ચનસિંગ ભાદા ( ચીખલીગર ) (રહે.અમદાવાદ શહેર, સાબરમતી, મોટેરા રોડ, સીટી ગોલ્ડ ડી-માર્ટ ની સામે, ભુંડવાળાના છાપરા) હોવાનું જણાવ્યું હતું.
જેઓની વૈજ્ઞાનિક ઢબે વધુ પૂછતાંછ કરતાં 19 વર્ષીય હથીયારસિંગ ઉર્ફે નુરીસિંગ તેના પિતા સતનામસિંગ ચીખલીગર સાથે મળીને ઉક્ત બાઈકની છત્રાલનાં એક કોમ્પલેક્ષ આગળથી ચોરી કર્યાની કબૂલાત કરી વધુમાં કબૂલ્યું હતું કે તેના પિતાનો મુંબઈનો મિત્ર સહીતની પાંચ લોકોની ગેંગે ઘરફોડ, વાહન તેમજ અન્ય મિલ્કત સંબંધી એમ કુલ. 14 ગુનાને અંજામ આપ્યો હતો.
આ અંગે પીઆઈ વાળાએ જણાવ્યું હતું કે ચીખલીઘર ગેંગના પાંચ લોકોની ગેંગે ગાંધીનગર – મહેસાણા જિલ્લામાં કુલ 14 ગુનાને અંજામ આપ્યો છે. જે અંગે ખાત્રી કરતાં પેથાપુર, મહેસાણા તેમજ કલોલ શહેર – તાલુકાનાં 10 ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. આ ગેંગ દિવસ દરમ્યાન ભુંડ પકડવાના બહાને જે તે ગામ નક્કી કરી રેકી કરી રાત્રીના સમયે ઇક્કો,બોલેરો ગાડી, બાઇકની ચોરી કરતી હતી.
બાદમાં રેકી કર્યા મુજબ ચોરીના ગુનાને અંજામ આપતી હતી. અને ગુનો આચરી ચોરીનુ વાહન તે જ રાત્રીએ બિનવારસી હાલતમાં મૂકી નાસી જતી હતી. આ ગેંગનો ગુનાહિત ઈતિહાસ જોતા દિલદારસિંગ બાવરી વિરુદ્ધ કલોલ તાલુકા – વડોદરામાં આ પ્રકારના બે ગુના તેમજ રૂપસિંગ ઉર્ફે રૂપલો બચ્ચનસિંગ ભાદા વિરુદ્ધ વર્ષ – 2015 થી 2018 દરમ્યાન ચાંદખેડા અને સાબરમતીમાં લૂંટ સહિતના પાંચ ગુના નોંધાયેલ છે.હાલમાં ત્રણ આરોપીઓ પાસેથી બાઈક તેમજ ત્રણ મોબાઈલ ફોન મળીને કુલ 30 હજાર 500 નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.