પ્રવેશ સમિતી દ્વારા ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરીમાં આજે સોમવારે પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. સમિતી દ્વારા પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટ અંગેની જાહેર કરેલી વિગતો મુજબ D ટુ Dની કુલ 49.523 બેઠક સામે 9.444 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની 7.170 બેઠક સામે 3.966 વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવાતાં 3.204 બેઠક ખાલી પડી છે.
મહત્વનું છે કે, ખાનગી કોલેજોમાં પ્રવેશ ફાળવણી દરમિયાન જ 87% બેઠક ખાલી પડી છે. પ્રથમ રાઉન્ડના વિદ્યાર્થીઓએ મંગળવાર સાંજ સુધીમાં ઓનલાઈન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવી દેવાનો રહેશે. આગળના વર્ષની ખાલી પડેલી બેઠકો ફોરવર્ડ થતાં અને બેઠકના 10% અનામત બેઠકો સાથે આ વખતે D to D ઈજનેરીમાં સરકારી અને ગ્રાન્ટેડ મળી કુલ 19 કોલેજની 7.113 બેઠક તેમજ 111 ખાનગી કોલેજની 42,353 મળી કુલ 49,523 બેઠક માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રવેશ સમિતી દ્વારા 1લી જુનથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. અગાઉના કાર્યક્રમ મુજબ 20મી જુલાઈના રોજ મેરીટ લીસ્ટ જાહેર કરવાનું હતું. પરંતુ જીટીયુના ડિપ્લોમા ઈજનેરીના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયુ ન હોવાથી રજિસ્ટ્રેશનની મૂદત 31મી જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી. દરમિયાન કુલ 14,805 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કુલ 19 યુનિવર્સિટીના 10,904 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
જેમાંથી આજે પ્રથમ રાઉન્ડમાં 9,444 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં 7,170 બેઠક સામે 3,966 વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવાતાં 3,204 એટલે કે, 44.68% બેઠકો ખાલી પડી છે. જ્યારે 111 ખાનગી કોલેજની 42,353 બેઠકો સામે 5,478 વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવાતાં 36,875 બેઠકો ખાલી પડી છે.