અમદાવાદના ચાંદખેડા વિસ્તારનાં કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીને સોશિયલ મીડિયામાં અપમાનજનક શબ્દો લખીને તેમની પર એસિડ ફેંકવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત જાતિવાચક શબ્દો લખીને અપશબ્દો લખ્યા હતા, જેના પગલે કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ઈમ્તિયાઝ શેખ અને જમશેદ શેખ સામે ફરિયાદ નોંધાવી છે.
આ મામલે કોંગ્રેસના સાત જેટલા કોર્પોરેટરોએ સંયુક્ત પત્રકાર પરિષદ કરી હતી, જેમાં કોંગ્રેસના કોર્પોરેટરને ટાર્ગેટ કરીને કેટલાંક અસામાજિક તત્ત્વો રાજકીય રીતે તેમનું કરિયર પૂરું કરવા માગી રહ્યા છે એવું જણાવ્યું હતું. આ સાથે જ આવાં તત્ત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય એવી માગણી કરી છે.
કોંગ્રેસના સાત કોર્પોરેટર દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ કરી જણાવવામાં આવ્યું હતું કે કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. રાજશ્રીબેન કેસરી વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને તેમને બદનામ કરવામાં આવી રહ્યાં છે. કેટલીક રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા પણ આવાં સામાજિક તત્ત્વોને સાથ આપીને કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. આ મામલે તેઓ કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડને પણ જાણ કરશે. કોંગ્રેસના કોર્પોરેટરોએ નામ લીધા વિના જણાવ્યું હતું કે કોણ આવા રાજકીય આગેવાન કરી રહ્યા છે? પરંતુ જે વિસ્તારના કોર્પોરેટર છે જ નહીં છતાં પણ અન્ય વિસ્તારમાંથી તેમને ધમકી આપવામાં આવી રહી છે. આમ, કોંગ્રેસના કોર્પોરેટરોનું કેરિયર પૂરું કરવા માટે અસામાજિક તત્ત્વો દ્વારા આવી કોમેન્ટો અને ધમકીઓ આપવામાં આવી રહી છે.
ચાંદખેડા વોર્ડનાં કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી એક વ્યક્તિ તેમને ફોન-મેસેજ કરી હેરાનપરેશાન કરી રહી હતી. તેણે સોશિયલ મીડિયામાં કોમેન્ટ પણ કરી હતી. સોશિયલ મીડિયામાં કોમેન્ટ લખીને ધમકી આપી હતી કે તારા અંતિમસંસ્કારની તૈયારી કરી લેજે. અવારનવાર આ રીતે ફોન પર મેસેજ કરીને હેરાનપરેશાન પણ કરવામાં આવતાં હતાં, જેના પગલે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત બહેરામપુરા વોર્ડનાં કોંગ્રેસનાં કોર્પોરેટર કમળાબેન ચાવડાએ પણ જણાવ્યું હતું કે ભૂતકાળમાં મને પણ સોશિયલ મીડિયા પર જેમ ફાવે એમ લખી હેરાનપરેશાન કરવામાં આવી હતી. કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
જ્યારે ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે પણ જણાવ્યું હતું કે અમારા કોંગ્રેસ પક્ષનાં મહિલા કોર્પોરેટરોને ફોન-મેસેજ કરી તેમજ સોશિયલ મીડિયામાં ધમકી આપવામાં આવી રહી છે, જેને લઇને હવે અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષમાં પણ પાર્ટી હાઈકમાન્ડ સાથે વાત કરીશું. આમાં વિપક્ષના નેતાને લઈને કોઈ જૂથવાદ કે એને લઈને કોઈપણ બાબત નથી. અમે જૂથવાદમાં માનતા નથી.
આ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રાજશ્રીબેન કેસરીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના કોંગ્રેસનાં બહેરામપુરાનાં કોર્પોરેટર કમળાબેન ચાવડાએ તેમને ફોન કરીને જાણ કરી હતી કે તમારા નામથી ઈમ્તિયાઝ શેખ અને જમશેદ શેખ નામની વ્યક્તિઓ કેટલીક પોસ્ટ મૂકી રહ્યા છે. છેલ્લા દસેક દિવસથી આ વ્યક્તિ તેમને હેરાનપરેશાન કરતી હતી. અલગ નંબર ઉપરથી ફોન કરીને ધમકી આપતા હતા કે વિપક્ષના નેતા મેં સે તેરા નામ હટા દે, નહીં તો મૈં તેરે પે એસિડ ડાલ કે તુજે જાન સે માર દુંગા. તુમ લોગો કો બહોત ચરબી ચડ ગઈ હૈ, તુમારી ચરબી નિકાલની પડેગી, એમ કહીને ધમકીઓ આપી હતી. આ સાથે જ જાતિવિષયક અપશબ્દો બોલીને તેમને ધમકી આપવામાં આવી હતી, જેથી આ મામલે રાજશ્રીબેન કેસરીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીને સોશિયલ મીડિયા પર ધમકીઓ આપવામાં આવી હતી, ત્યારે એક ઓડિયો-ક્લિપ પણ રાજશ્રીબેનની ફરતી થઈ હોવાથી જાણવા મળ્યું છે, જેમાં રાજશ્રીબેન પોતે યુવકને ફોન પર અપશબ્દો બોલીને ધમકીઓ પણ આપી છે. આવી એક ઓડિયો-ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વહેતી કરવામાં આવી છે. ઓડિયો-ક્લિપમાં હું રાજશ્રીબેન કેસરી બોલું છું, હું ખાનદાની રઇસ છું, તારામાં હિંમત હોય તો ચાંદખેડામાં આવીને બતાવ, નહીં તો હું તને ઘરમાં ઘૂસીને મારીશ, એમ કહી ક્લિપમાં ગાળો પણ બોલે છે. આ ઓડિયો-ક્લિપ પણ સોશિયલ મીડિયામાં ફરતી કરવામાં આવી છે.