અમદાવાદ શહેરમાં એસપી રિંગ રોડ પર એપલવુડ પાસે આવેલા ઓર્ચિડ લેગસી એપાર્ટમેન્ટના 15માં માળે આવેલા બે ફલેટમાંથી હાઇડ્રોપોનિક ગાંજો ઉગાડવાનું કૌભાંડ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એપાર્ટમેન્ટમાં રહેતા સ્થાનિક લોકોએ ફ્લેટમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃતિઓ અંગે પોલીસને જાણ કરી હતી.
જેને આધારે દરોડા પાડતા સમગ્ર બાબત સામે આવી હતી. હાઇડ્રોપોનિક ગાજો ટ્રેડીશનલ ગાંજા કરતા વધુ નશો આપતો હોવાથી તેની ડિમાન્ડ વધારે હોય છે. આ અંગે પોલીસે બંને ફ્લેટમાં રહેતા ઝારખંડના ચાર યુવક યુવતીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
રવિવારે સાંજે સરખેજ પોલીસને બાતમી મળી હતી કે શાંતિપુરા એપલવુડ ટાઉન શીપ પાસે આવેલા ઓર્ચિડ લેગસી એપાર્ટમેન્ટના 15મા માળે આવેલા ફ્લેટ નંબર 1501અને 1502માં કેટલાંક પર પ્રાંતિય લોકો રહે છે અને તેમના એપાર્ટમેન્ટમાંથી નિયમિત રીતે શંકાસ્પદ પાર્સલ આવતા જતા રહે છે. આ બાતમીને આધારે પોલીસે દરોડા પાડતા ફ્લેટની અંદર ચોક્કસ પ્રકારના પ્લાન્ટ ઉગાડેલા જોવા મળ્યાં હતા. જેથી પોલીસે ત્યાં હાજર એક યુવતી અને યુવકોની પૂછપરછ કરતા તેમણે આ પ્લાન્ટ દવાના હોવાનું જણાવ્યું હતું.
પરંતુ એપાર્ટમેન્ટમાં ઉગાડવામાં આવેલા પ્લાન્ટના કારણે શંકા જતા તેમણે ગાર્ડન નિષ્ણાંતને બોલાવીને તપાસ કરી ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી, કારણ કે આ પ્લાન્ટ કોઇ દવાનો નહીં પણ હાઇડ્રોપોનીક ગાંજાનો હતો.આ અંગે પુછપરછ કરતા એક યુવતીનું નામ રિચિકા અને યુવકોના નામ રવિ અને વિરેન હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેય ફ્લેટમાં ગાંજાનું વાવેતર કરીને ગુજરાત તેમજ અન્ય બહારના રાજ્યોમાં પાર્સલ કરતા હતા. કોઇને શંકા ન જાય તે માટે તેમણે આ ફ્લેટમાં જ ગાંજો વાવ્યો હતો અને એક ફ્લેટનું ભાડુ 35 હજાર રૂપિયા ચુકવતા હતા. કોઇ એપાર્ટમેન્ટમાં ગાંજાનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું રાજ્યમાં આ પ્રકારનું પ્રથમ રેકેટ બહાર આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે, આરોપીઓની સાથે કોણ કોણ સંકળાયેલું છે, અન્ય કોઈ જગ્યાએ આ રીતે વાવેતર કરાયું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.