આફ્રિકન દેશ માલીમાં મિલિટરી બેઝ અને પેસેન્જર બોટ પર થયેલા આતંકી હુમલામાં 64 લોકોના મોત થયા છે. એક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુરુવારે શંકાસ્પદ આતંકીઓએ ઉત્તરી માલીમાં નાઈજર નદીમાં એક સૈન્ય મથક અને એક પેસેન્જર બોટ પર હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં 64 લોકોના મોત થયા. સરકારી નિવેદન અનુસાર, બે અલગ-અલગ હુમલાઓએ નાઇજર નદી પરની ટિમ્બક્ટુ બોટ અને ઉત્તરી ગાઓ ક્ષેત્રમાં બામ્બામાં લશ્કરી મથકને નિશાન બનાવ્યું હતું. આ હુમલાઓમાં 49 નાગરિકો અને 15 સૈનિકોના મોત થયા છે. જો કે, બંને સ્થળોએ કેટલા લોકોના મોત થયા છે તે સામે આવ્યું નથી
અલ-કાયદા સાથે સંકળાયેલા સંગઠને આ હુમલાઓની જવાબદારી લીધી છે. અગાઉ પણ માલી સેનાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, હથિયારો સાથે આતંકી જૂથોએ એક બોટ પર હુમલો કર્યો હતો.સાથે ઓપરેટર કોમનવે કહ્યું કે, રોકેટે નદીના કિનારે આવેલા શહેરો વચ્ચેના માર્ગ પર જઈ રહેલા જહાજને નિશાન બનાવ્યું. તેઓએ બોટના એન્જિનને નિશાન બનાવ્યું.
કોમનોવના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે,બોટ નદી પર હાજર છે. સેના ત્યાંથી મુસાફરોને બહાર કાઢી રહી છે. સરકારી સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આતંકવાદી હુમલામાં લગભગ 15 જવાનો શહીદ થયા છે જ્યારે કુલ 64 લોકોએ જીવ ગુમાવ્યા છે. આતંકવાદી હુમલામાં માલીને મોટું નુકસાન થયું છે. હુમલામાં થયેલા મોતને પગલે માલીમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.