માણસા ગાયત્રી શક્તિ પીઠમાં ત્રાટકી તસ્કરોએ એકાઉન્ટ વિભાગના મુખ્ય દરવાજાનો નકુચો તોડી લોખંડની તીજોરીઓમાંથી 6 લાખ રોકડા તેમજ 105 ચાંદીના સિક્કા મળીને રૂ. 6 લાખ 80 હજારની મત્તા ચોરીને તરખાટ મચાવી દેતા માણસા પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માણસા ગામની સીમમાં આવેલ ખાનગી કંપનીમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો છે.
માણસા ગાયત્રી શકિતપીઠ ખાતે એકાઉન્ટ વિભાગમાં છેલ્લા સોળ વર્ષથી નોકરી કરતાં ગોરધનભાઇ જોઇતારામ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, ગાયત્રી શક્તિપીઠમાં લગ્ન પ્રસંગ, હવન, યજ્ઞ જનોઇ સંસ્કાર,વિગેરે ધાર્મીક કાર્યક્રમો થતો હોય છે. તેમજ શક્તિપીઠમાં ભોજનાલયની પણ સેવા ચાલુ છે. અહીં હાલમાં ચાલીસ જેટલા કર્મચારીઓની નોકરી કરે છે.
શક્તિપીઠમાં દાન, ભેટમાં આવતા પૈસા તેમજ શક્તિપીઠમાં થના ધાર્મીક પ્રસંગો પેટ લેવામાં આવતા પૈસા એકાઉન્ટ વિભાગમાં રાખેલ તીજોરીઓમાં રાખવામાં આવે છે. જેનો તમામ હિસાબ તેમજ ટ્રસ્ટના નામે આવેલ બેન્ક એકાઉન્ટની કામગીરી ગોરધનભાઈ સંભાળે છે. ગઈકાલ તા. 8 મી સપ્ટેમ્બરના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાના અરસામાં ગોરધનભાઈ એકાઉન્ટ વિભાગને લોક મારી તેમના ક્વાર્ટર્સમાં ગયા હતા.
આજરોજ તેઓ વહેલી સવારે પાંચ વાગ્યે પુજાપાઠ માટે મંદિરે ગયા હતા. ત્યારે એકાઉન્ટ વિભાગનો દરવાજો ખુલ્લો જોઈ તેમણે તપાસ કરતા માલુમ પડયું હતું કે, દરવાજાનો નકુચો તોડી ઓફીસમાં રાખેલ લોખંડની ત્રણ તીજોરીઓના દરવાજા પણ કોઇ હથીયારથી બળ વાપરીને તોડી નાખવામાં આવ્યા છે. તેમજ તેના પાછળના ભાગે આવેલ રૂમમાં રાખેલ તીજોરીઓના દરવાજા પણ ખુલ્લા હતા.
આથી ચોરી થયાંનું જણાઈ આવતાં ગોરધન ભાઈએ જાણ કરતાં મેનેજિંગ ટ્રસ્ટી સહિતના લોકો ગાયત્રી શક્તિપીઠ પહોંચી ગયા હતા. બાદમાં વધુ તપાસ કરતાં એકાઉન્ટ વિભાગમાં આવેલ લોખંડની બે તીજોરીમાંથી રૂ. 1.50 લાખ રોકડા, ગાયત્રી માતાના ચાંદીના સિક્કા નંગ-105 કિંમત રૂ. 80 હજાર, મેનેજીંગ ડીરેક્ટરની ચેમ્બરના પાછળના ભાગે આવેલ રૂમની લોખંડની ત્રણ તીજોરીઓ પૈકી એક તીજોરીમાંથી રૂ. 4.50 લાખ રોકડા મળી કુલ રૂ. 6 લાખ 80 હજારની મત્તા તસ્કરો સાફ કરી ગયાનું બહાર આવ્યું હતું.
આ ઉપરાંત ગાયત્રી શક્તિપીઠની પાછળ આવેલ વૈદ માતા ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટની ઓફીસના પણ તાળા તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ થતાં માણસા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને શક્તિપીઠના ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોની પૂછતાંછ કરી સીસીટીવી કેમેરાની પણ ચકાસણી શરૂ કરી હતી. ત્યારે એક રાતમાં માણસાની ખાનગી કંપની તેમજ ગાયત્રી શક્તિ પીઠમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા પોલિસે અલગ અલગ ટીમો બનાવીને ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો છે.