ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીથી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુંભાર સમુદાયના લોકોને વિદ્યુત ચેકનું વિતરણ કર્યું હતું. ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત કુંભાર સમુદાયના લોકોને સશક્તિકરણ માટે અને તે આત્મનિર્ભર બને તે હેતુસર ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા કાર્યરત ‘ કુંભાર સશક્તિકરણ યોજના હેઠળ ૧૦૦ જેટલા પ્રશિક્ષિત કારીગરોને આ વિદ્યુત ચાકનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, મને આશા છે કે આયોગ વંચિતો અને નબળા વર્ગોના સશક્તિકરણ માટે સાતત્યપૂર્ણ રીતે તેને પ્રયાસો ચાલુ રહેશે અને આ ‘કુંભાર સશક્તિકરણ યોજના’ સમગ્ર કુંભાર સમુદાયને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
ભારતીય શિલ્પકલા ના વાહક અને કુંભાર સમુદાયના ભાઈઓ બહેનોને વર્તમાન ટેકનીક સાથે જોડીને તેમનું જીવન સરળ બનાવી શકાય છે અને તેની ઉત્પાદન ક્ષમતા પણ વધારી શકીએ છીએ. ‘કુંભાર સશક્તિકરણ યોજના’ દ્વારા માટીના વાસણો ની પારંપરિક કલાને પુનર્જીવિત કરવા ની સાથે સીમાંત કુંભાર સમુદાયને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી થઇ રહી છે, જે આ સમુદાય વિશેષ અને સશક્ત કરવાની દિશામાં એક મોટું પગલું સાબિત થરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના કુંભાર સમુદાય માટે આ વિદ્યુત ચાક એક અમુલ્ય ભેટ છે.
આ પ્રસંગે અમિત શાહે પાંચ પ્રશિક્ષિત કારીગરો સાથે સંવાદ પણ કર્યો હતો, જેને આયોગ દ્વારા માટીના વાસણો બનાવવાની તાલીમ આપીને પ્રશિક્ષિત કર્યા હતા. અમિત શાહ સમગ્ર પ્રજાપતિ સમુદાયને આશ્વાસન આપ્યું હતું કે, તેમના ઉત્પાદનો વેચાણ માટે રેલવે સાથે સમજૂતી સહિત એક યોગ્ય ચેનલ પ્રણાલિકા સ્થાપિત કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા ગાંધીનગર જિલ્લાના 14 ગામડાઓમાં પ્રજાપતિ સમુદાયના 100 લોકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે અને 100 ઇલેક્ટ્રીક મશીન તથા 10 બ્લેઝર મશીનનું વિતરણ કરાયું છે. આ યોજના અંતર્ગત પ્રજાપતિ સમુદાયના કારીગરોની સરેરાશ માસિક 3000 રૂપિયાથી વધારે 12000 રૂપિયા પ્રતિ માસ થઈ છે.