અક્ષરધામ મંદિરના વરિષ્ઠ સંતો તેમજ કાર્યકરો દ્વારા વડાપ્રધાન સુનકનું અભિવાદન કરવામાં આવ્યું
નવી દિલ્હી
યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે 10 સપ્ટેમ્બર 2023 ના રોજ G20 સમિટ માટે ભારતની તેમની સત્તાવાર યાત્રા દરમિયાન BAPS સ્વામિનારાયણ અક્ષરયામ – નવી દિલ્હી ની મુલાકાત લીધી હતી.વડાપ્રધાન અને તેમનો કાફલો સવારે ૬:૪૫ વાગ્યે આવ્યો હતો. સદ્ભાવના અને મિત્રતાના પ્રતીક તરીકે પરંપરાગત હિંદુ સંસ્કૃતિ પ્રમાણે તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અક્ષરધામ મંદિરના વરિષ્ઠ સંતો તેમજ કાર્યકરો દ્વારા વડાપ્રધાન સુનકનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને BAPS ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી વિશેષ સંદેશ રજૂ કરવામાં હતો.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તેમના અને અન્ય પ્રતિનિધિઓ માટે તેમની અંગત શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ પાઠવી હતી. તેમણે લખ્યું, “વસુધૈવ કુટુમ્બકમની ભાવના અનુસાર, અમે તમારા અને તમામ ઉપસ્થિત લોકો માટે પ્રાર્થના કરીએ છીએ, આ G20 સમિટ સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને વૈશ્વિક સંવાદિતા તરફ સામૂહિક રીતે મદદ કરે અને શાનદાર સફળતા પ્રાપ્ત થાય”તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન સુનકને સ્વામિનારાયણ અક્ષરધામની ઝાંખી આપવામાં આવી હતી. અક્ષરધામ એ 100 એકરનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ છે જે ભારતની પરંપરાઓ અને પ્રાચીન સ્થાપત્ય ને ભવ્ય રીતે પ્રસ્તુત કરે છે અને શ્રદ્ધા, ભક્તિ અને સંવાદિતાના યુગતીત હિન્દુ આધ્યાત્મિક સંદેશા ને ઉજાગર કરે છે.વડાપ્રધાન સુનક અને તેમની પત્નીએ મુખ્ય મંદિરમાં સ્થાપિત પવિત્ર મૂર્તિઓના ખૂબ જ આદર પૂર્વક દર્શન તેમજ આરતી કર્યા તેમજ ભારતીય કલા અને સ્થાપત્યની ખૂબ પ્રશંસા કરી. દંપતીએ વિશ્વ શાંતિ, પ્રગતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરી હતી.વડાપ્રધાન સુનકે અક્ષરધામ મંદિર મુલાકાતને વર્ણવતા કહ્યું “આજે સવારે દર્શન અને પૂજા માટે સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લઈને મને અને મારી પત્નીને આનંદ થયો. અમે આ મંદિરની સુંદરતા અને તેના શાંતિ, સંવાદિતા અને વધુ સારા માનવ બનવાના સાર્વત્રિક સંદેશથી અભિભૂત થઈ ગયા. આ માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ એક સીમાચિહ્ન છે જે ભારતના મૂલ્યો, સંસ્કૃતિ અને વિશ્વમાં ભારતના યોગદાનને પણ દર્શાવે છે.આજે બ્રિટિશ ભારતીય સમુદાયના સકારાત્મક યોગદાન દ્વારા સમગ્ર બ્રિટનમાં પણ આ જ ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને આપણે જીવંત જોઇ શકીએ છીએ. આજે સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મને જે આશીર્વાદ પાઠવ્યા હતા તે આશીર્વાદ પ્રાપ્ત કરવા બદલ હું ખૂબ ગૌરવ અનુભવું છું, અને હું જાણું છું કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ખૂબ જ ટૂંક સમયમાં યુએસએના રોબિન્સવિલમાં ત્રીજા સુંદર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે તો આ શુભ પ્રસંગે હું મહંત સ્વામી મહારાજ અને BAPS ના તમામ સંતો-ભક્તોને ઉદઘાટન પહેલા મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ મોકલવા માંગુ છું.”સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ઉમેર્યું. “વડાપ્રધાન સુનકનું સ્વામિનારાયણ અક્ષરધામમાં સ્વાગત કરવું અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શાંતિ, એકતા અને જનસેવાના સંદેશને લોકો સુધી પહોચડવો એ ગૌરવની વાત છે. યુકેનો ભારત સાથેનો સંબંધ મિત્રતાના બંધન પર બાંધવામાં આવ્યો છે અને સાંસ્કૃતિક આદાનપ્રદાન તેમજ યુકેમાં રહેતા ભારતીય સમુદાય દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ મુલાકાત દ્વારા આ સંબંધને વધુ મજબૂત કરવા બદલ અમને આનંદ થયો,”પ્રતિકૂળ હવામાન હોવા છતાં, વડાપ્રધાને મંદિરમાં દર્શન અને પ્રાર્થનાના કાર્યમાં ભાગ લેવા માટે લગભગ એક કલાક જેટલો સમય ફાળવ્યો હતો.