રિઝર્વ બેંકે પ્રોપર્ટી પર લોન લેનારા લોકો માટે રાહતનો નિર્ણય લીધો છે. હવે બેન્કો, એનબીએફસી કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ લોન ભરપાઇ કર્યા બાદ પ્રોપર્ટીના કાગળો પરત કરવામાં વિલંબ કરશે તો તેમણે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે.રિઝર્વ બેંકે બુધવારે સવારે આ આદેશ જારી કર્યો છે.
અત્યાર સુધી હોમ લોન ભરપાઈ કર્યા બાદ તમારે રજિસ્ટ્રીના કાગળો લેવા માટે બેન્કોમાં જવું પડતું હતું, પરંતુ હવે આરબીઆઈએ બેન્કોને સૂચના આપી છે કે, લોન ભરપાઈ કર્યાના 30 દિવસની અંદર ગ્રાહકોને રજિસ્ટ્રીના કાગળો પરત કરી દેવા પડશે જો બેંક 30 દિવસની અંદર ગ્રાહકોને રજિસ્ટ્રી પેપર પરત નહીં કરે તો તેમણ ગ્રાહકોને દરરોજ 5000 રૂપિયાનું વળતર ચુકવવું પડશે.
રિઝર્વ બેન્કે આ આદેશ તમામ કોમર્શિયલ બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો, એનબીએફસી, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને સ્મોલ ફાઇનાન્સ બેન્કો સહિત એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને મોકલ્યો છે. વાસ્તવમાં રિઝર્વ બેન્કને સતત એવી ફરિયાદો મળી રહી હતી કે ગ્રાહકો લોન ભરપાઈ કર્યા બાદ પણ બેન્કો અને એનબીએફસી પ્રોપર્ટીના દસ્તાવેજો આપવામાં વિલંબ કરે છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે વિલંબને કારણે વિવાદો અને મુકદ્દમા જેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. નવા આદેશ અનુસાર, કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, એનબીએફસી અને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ વગેરેએ લોનના તમામ હપ્તા મેળવ્યા અથવા પતાવટ કર્યાના 30 દિવસની અંદર ગ્રાહકોને તમામ દસ્તાવેજો પરત આપવાના રહેશે. ગ્રાહકોને સંબંધિત શાખામાંથી અથવા તો જે શાખા કે ઓફિસમાંથી કાગળો રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અનુકૂળતા મુજબ દસ્તાવેજો લેવાનો વિકલ્પ આપવામાં આવશે.
આરબીઆઈએ કહ્યું કે જો બેંકો કે અન્ય સંબંધિત સંસ્થાઓ નિર્ધારિત સમયમાં લોનની ચુકવણીના 30 દિવસની અંદર દસ્તાવેજો પરત કરી શકશે નહીં, તો આવી સ્થિતિમાં તેમણે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. સાથે જ ગ્રાહકોને રોજના વિલંબ માટે 5000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે.