સુરતનાં ૩ વેપારીઓ કપિલ હુકમીચંદ કોઠારી, ધર્મેશકુમાર પ્યારચંદ કોઠારી અને હિતેષ પ્યારચંદ કોઠારીની ઘરપકડ,ત્રણેય ઇસમોને નામ. એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મજીસ્ટ્રેટ સા.ની કોર્ટમાં અમદાવાદ ખાતે રજુ કરવામાં આવશે અને ગુનાની વધુ તપાસ સબબ રીમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે.અન્ય ૬ પેઢીઓમાં હાલ તપાસની કાર્યવાહી ચાલી રહેલ છે
અમદાવાદ
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગ થકી થતી કરચોરી ના કેસો શોધી કાઢી તે પરત્વે અન્વેષણાત્મક કાર્યવાહીની ઘનિષ્ઠ ઝુંબેશ હાલ ચાલી રહેલ છે. બોગસ બિલિંગ થકી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર જી.એસ.ટી. સામે વેરાશાખ મજરે મેળવી ખૂબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારશ્રીને મોટી રકમનું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવે છે. વિભાગ દ્વારા ઉંડાણપુર્વકના સંશોધન અને વિગતોના આધારે તપાસો હાથ ધરી ઘણી બધી બોગસ પેઢીઓ શોધી કાઢવામાં આવેલ છે અને આવી પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટર્સને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવેલ છે.તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગના માધ્યમથી ખોટી વેરાશાખનો દાવો કરતા હોય તેવા સુરત ખાતેના કોપરની કોમોડીટી સાથે સંકળાયેલ ૯ એકમો ઉપર સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી કરવામાં આવેલ. આ એકમો દ્વારા મોટાપાયે ભાગનગર ખાતે નોંધાયેલ બોગસ પેઢીઓ પાસેથી ખરીદીઓ દર્શાવવામાં આવેલ. સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં હિસાબી સાહિત્ય તથા ડીજીટલ ડીવાઇસીઝ જેવા કે મોબાઇલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર્સ મળી આવેલ છે. જેની ચકાસણી હાલ ચાલી રહેલ છે. સદર કાર્યવાહીમાં બહાર આવેલ છે કે, આ એકમો દ્વારા મોટા પાયે અન્ય વેચનાર પાસે ખરીદીઓ કરી આવી ખરીદીઓને ચોપડે બતાવી ખોટી વેરાશાખ મેળવવાના બદઇરાદાથી બોગસ બિલો મેળવવામાં આવેલ. જે પરત્વે આ ૯ એકમો દ્વારા બોગસ બિલો આધારીત રૂ. ૮૬૧ કરોડની ખરીદીઓ દર્શાવી રૂ. ૧૫૫ કરોડની મળવાપાત્ર ન હોય તેવી વેરાશાખ ભોગવેલ છે. આ કેસોમાં વધુ તપાસની કાર્યવાહી હાલ ચાલી રહેલ છે જેથી કરચોરીનો આંક વધવાની શક્યતા છે.
ખોટી વેરાશાખ ભોગવવી એ જીએસટી કાયદાની કલમ- કલમ-૧૩૨(૧)(સી) હેઠળ ગુનો બનતો હોઇ વિભાગ દ્વારા ત્રણ કેસોમાં આ પેઢીઓના માલિકોની સ્પષ્ટ સંડોવી જણાતા શ્રી ધનલક્ષ્મી મેટલ ઇન્ડસ્ટ્રીઝ- PLOT NO. 1,2,3, OPP, PIPE FACTORY, KADODARA
BARDOLI ROAD, PALSANA, Surat ના માલિક કપિલ હુકમીચંદ કોઠારી, અમ્બિકા મેટલ ઇન્ડસ્ટ્રીઝ-ROAD NO 6, PLOT NO 91/B, UDHYOG NAGAR, UDHNA, Surat ના માલિક ધર્મેશકુમાર પ્યારચંદ કોઠારી અને જય નાકોડા મેટલ ઇન્ડસ્ટ્રીઝ – NR MAMTA DYING MILL, 34/1, MOJE VARELI, KADODARA, VARELI, Surat ના માલિક હિતેષ પ્યારચંદ કોઠારીની સુરત ખાતેથી આ કેસોમાં વધુ ઉંડાણપૂર્વકની તપાસ કરવા સારૂ ધરપકડ કરવામાં આવેલ છે. આ ત્રણ પેઢીઓ દ્વારા કુલ રૂ. ૬૭૦ કરોડના બિલો મેળવી રૂ. ૧૨૦ કરોડની ખોટી વેરાશાખ ભોગવવામાં આવેલ છે.આ ત્રણેય ઇસમોને નામ. એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મજીસ્ટ્રેટ સા.ની કોર્ટમાં અમદાવાદ ખાતે રજુ કરવામાં આવશે અને ગુનાની વધુ તપાસ સબબ રીમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે.અન્ય ૬ પેઢીઓમાં હાલ તપાસની કાર્યવાહી ચાલી રહેલ છે. તપાસની કાર્યવાહીમાં અન્ય કોઇ ઇસમોની સંડોવણી બહાર આવશે તો તેની સામે પણ વિભાગ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.