એક બાજુ સોમવારથી સંસદના વિશેષ સત્રનો આરંભ થયો છે. આ સત્ર પર આખા દેશની નજર ટકેલી છે. ત્યારે બીજી બાજુ સાંજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી મળી ગઈ છે. આ સાથે એવી માહિતી મળી રહી છે કે, મહિલા અનામત બિલ 20 સપ્ટેમ્બર એટલે કે બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટે મહિલાઓ માટે 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપી છે.
બજેટ, ચોમાસુ અને શિયાળુ સત્ર સિવાય સરકાર અન્ય કોઈ સત્ર બોલાવે છે તો તેને વિશેષ સત્ર કહેવામાં આવે છે. વિશેષ સત્ર બોલાવવાના કિસ્સામાં સરકાર ગૃહના દરેક સભ્યને તારીખ અને સ્થળ જણાવે છે. ભારતીય બંધારણમાં સંસદના વિશેષ સત્ર શબ્દનો કોઈ ઉલ્લેખ નથી. જો કે, સરકારો દ્વારા ઉપયોગમાં લેવાતા વિશેષ સત્રો કલમ 85(1) ની જોગવાઈઓ અનુસાર બોલાવવામાં આવે છે. બાકીના સત્રો પણ કલમ 85(1) હેઠળ બોલાવવામાં આવે છે. સત્ર બોલાવવાનો નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવે છે અને સાંસદોને રાષ્ટ્રપતિના નામે બોલાવવામાં આવે છે.