નવા સંસદ ભવનમા મંગળવારે મોદી સરકાર દ્વારા મહિલા અનામત બિલ રજૂ કરાયું હતું. જે લોકસભામાં પાસ થયું છે. આજે મતદાન ચાલ્યા બાદ આ બીલની તરફેણમાં 454 મત આવ્યા હતા. જ્યારે આ બીલના વિરુદ્ધમાં માત્ર 2 જ મત પડ્યા હતા. આમ 2/3 બહુમત સાથે નારી શક્તિ વંદન બીલ લોકસભામાં પસાર થયું છે. AIMIMના 2 સાંસદોએ બિલના વિરુદ્ધમાં મતદાન હોવાનું સામે આવ્યું છે. આ બિલ આવતીકાલે રાજ્યસભામાં રજૂ કરાશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદો બનશે.
લોકસભામાં હાલમાં 82 મહિલા સદસ્યો છે. આ બિલ કાયદો બનશે ત્યારે લોકસભામાં મહિલા સદસ્યો માટે 181 સીટ રિઝર્વ થઈ જશે.આ બિલમાં બંધારણનાં અનુચ્છેદ 239AA અંતર્ગત રાજધાની દિલ્હીની વિધાનસભામાં પણ મહિલાઓને 33% આરક્ષણ આપવામાં આવ્યું છે એટલે કે હવે દિલ્હી વિધાનસભાની 70માંથી 23 સીટો મહિલા માટે આરક્ષિત રહેશે.
રાજ્યોની વિધાનસભાઓમાં પણ 33% આરક્ષણ મળશે.
આ બિલ અંતર્ગત લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે આરક્ષણ 15 વર્ષ સુધી મળશે. 15 વર્ષ બાદ મહિલાઓને આરક્ષણ આપવા માટે ફરી બિલ લાવવું પડશે.
SC/SC મહિલાઓ SC/SC મહિલાઓને અલગથી આરક્ષણ નહીં મળે. એટલે કે લોકસભા અને વિધાનસભામાં જેટલી સીટો SC/ST વર્ગ માટે આરક્ષિત છે તેમાંથી જ 33% સીટ મહિલાઓને મળશે. સામાન્ય ભાષામાં સમજીએ તો હાલમાં લોકસભામાં 84 સીટો SC અને 47 સીટો ST માટે આરક્ષિત છે. કાયદો બન્યા બાદ 84 SC સીટો માંથી 28 સીટો SC મહિલાઓ માટે જ્યારે 47 ST સીટોમાંથી 16 ST મહિલાઓ માટે રહેશે.
લોકસભામાં ઓબીસી વર્ગ માટે અલગ આરક્ષણ નથી તેથી SC-STની આરક્ષિત સીટોને હટાવી દીધા બાદ લોકસભામાં 412 સીટો બચે છે. આ સીટો પર સામાન્યની સાથે સાથે ઓબીસી ઉમેદવાર પણ લડે છે. એ હિસાબથી 137 સીટ સામાન્ય અને ઓબીસી વર્ગની મહિલાઓ માટે રહેશે.
રાજ્યસભા અને જે રાજ્યોમાં વિધાન પરિષદની વ્યવસ્થા છે ત્યાં મહિલા આરક્ષણ લાગૂ નહીં પડે. જો આ બિલ કાયદો બને છે તો તે માત્ર લોકસભા અને વિધાનસભા પર જ લાગૂ થશે.
સંસદ અને વિધાનસભાની સીટોમાં મહિલા આરક્ષણ રોટેશનલ આધાર પર લાગૂ થશે. એટલે કે એક કાર્યકાળ પૂર્ણ થયા બાદ બીજા કાર્યકાળમાં મહિલાઓ માટે આરક્ષિત થયેલ સીટોને બદલવામાં આવશે. પરિણામે દેશભરની લોકસભા અને વિધાનસભાની સીટો પર મહિલાઓને ચૂંટાઈને આવવાનો મોકો મળશે.
ગૃહમંત્રી અમિત શાહે આ મુદે વિપક્ષને જવાબ આપતાં કહ્યું કે આ આરક્ષણ કેવી રીતે આપવું એ કોણ નક્કી કરશે? અમે નક્કી કરશું તો તમે કહેશો કે આ પોલિટીકલ આરક્ષણ છે. તેથી આ બિલનાં અમલીકરણમાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે વસ્તીગણતરી અને પરિસીમન થવું આવશ્યક છે. 2024ની ચૂંટણી બાદ વસ્તી ગણતરી અને પરિસીમન કરવામાં આવશે જે બાદ મહિલાઓને 33% આરક્ષણ મળી શકશે.
રાહુલ ગાંધીનાં સેક્રેટરીવાળા નિવેદન પર નિશાન સાધતાં અમિત શાહે કહ્યું કે સરકાર કેબિનેટ ચલાવે છે. દેશની નીતિઓનું નિર્ધારણ કેબિનેટ કરે છે. દેશની સંસદ આ નિર્ણય લે છે ન કે સેક્રેટરી. આંકડાઓ જણાવું તો ભાજપમાં 29 સાંસદ OBCથી છે. આ સદનમાં 85 સાંસદ ઓબીસીમાંથી છે. તુલના કરવી હોય તો આવી જાઓ. અમે તો OBCથી પ્રધાનમંત્રી આપ્યાં છે. તેમણે કહ્યું કે આ સદનમાં 3 કેટેગરી છે. જનરલ- SC- ST. અને અમે આ બિલમાં ત્રણેય કેટેગરીમાં 1/3 આરક્ષણ મહિલાઓ માટે રાખ્યું છે.
રાહુલ ગાંધીએ મહિલા અનામત બીલના મુદ્દે વાત કરીહતી. તેમણે કહ્યું કે જાતિગત વસ્તી ગણતરી કરીને અન્ય પછાત વર્ગો (ઓબીસી) ની મહિલાઓને અનામતની જોગવાઈ સાથે સૂચિત ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવે. તેમણે સરકારને આ માટે જાતિગત વસ્તી ગણતરી કરવા વિનંતી કરી. મહિલા અનામત સાથે જોડાયેલ બિલ એક મોટું પગલું છે, બધા આ વાત માને છે, પરંતુ મારા મતે આ બિલ અધૂરું છે. આમાં ઓબીસી અનામત ઉમેરવી જોઈએ. “મારી દ્રષ્ટિએ, આ બિલ આજે જ લાગુ કરી શકાય છે, પરંતુ તે આગળ વધવા માટે રચાયેલ નથી. “જ્યારે પણ વિપક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે, ત્યારે ભાજપ બીજી દિશામાં વાત કરવાનો પ્રયાસ કરે છે.
તેમણે દાવો કર્યો હતો કે ભારત સરકારમાં 90 સચિવો છે, જેમાંથી માત્ર ત્રણ ઓબીસી સમુદાયના છે અને તેઓ બજેટના માત્ર પાંચ ટકા પર નિયંત્રણ ધરાવે છે. ભારત સરકારના 90 સચિવોમાંથી માત્ર ત્રણ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના છે. મેં સવાલ પૂછ્યો કે ભારત સરકાર ચલાવનારા 90 સચિવોમાંથી કેટલા ઓબીસી છે, પરંતુ આ જવાબથી મને આશ્ચર્ય થયું. કારણ કે 90માંથી માત્ર 3 ઓબીસી સેક્રેટરી છે.
રાહુલ પહેલા સોનિયા ગાંધીએ બીલ પરની ચર્ચામાં ભાગ લીધો. સોનિયાએ કહ્યું કે જાતિગત વસ્તી ગણતરી કરીને એસસી, એસટી અને ઓબીસી મહિલાઓ માટે સબ ક્વોટા પણ તાત્કાલિક લાગુ કરવા જોઈએ. તેમણે કહ્યું કે આજે, મહિલાઓ તેમની રાજકીય જવાબદારીઓ ઉપાડવા માટે તૈયાર છે. પરંતુ તેમને રાહ જોવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. એ કેટલું વાજબી છે? આ બિલ પર બોલવું મારા માટે ખૂબ જ ભાવનાત્મક છે કારણ કે તેમના પતિ – ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલા મહિલા અનામતનો અમલ કર્યો હતો.