સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના તપાસ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં 48 દવાઓના સેમ્પલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ફેલ થયા છે. આ દવાઓને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ નબળી ગુણવત્તાન દવા જાહેર કરી છે. આ દવાઓ માર્કટમાં સરેઆમ વેચાતી હતી. મોટાભાગની 2025 ની એક્સપાયરી ડેટ ધરાવતી દવાઓ બજારમાંથી પાછી ખેંચી લેવાનો આદેશ કરાયો છે.
CDSCO એ 48 જેટલી દવાઓને નબળી ગુણવત્તાની જાહેર કરી છે. સાથે જ આ દવાઓને માર્કેટમાંથી પાછી ખેંચી લેવાનો આદેશ કરાયો છે. CDSCO એ દવાના બેચ નંબર સાથે 48 દવાના નામ જાહેર કર્યાં છે. સાથે જ તેની એક્સપાયરી પણ જાહેર કરી છે. આ દવાઓમાં હાર્ટ ડિસીઝમાં વપરાતી દવા પણ સામેલ છે. મળતી માહિતી મુજબ, ગયા મહિને દવાઓના કુલ 1497 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 48 દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ છે.
જે દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ છે તેને લઈને ફાર્મા કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. તમામ દવા નિરીક્ષકોને ફાર્મા કંપનીઓની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ટેસ્ટમાં નિષ્ફળ ગયેલી દવાઓને બજારમાંથી પાછી ખેંચી લેવાની પણ વાત થઈ છે. સીડીએસસીઓ દ્વારા દર થોડા મહિને વિવિધ ફાર્મા કંપનીઓની દવાઓના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવે છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 50 જેટલી દવાઓ ફેલ થઈ હતી. તેમાં એન્ટિબાયોટિક દવાઓનો પણ સમાવેશ થાય છે.
જે કંપનીઓને દવા પાછી ખેંચી લેવાનું કહેવાયું છે તેમાં કલોલ તાલુકાની આન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડની બાળકો માટેની કફસિરપ અને એમઓએલ-પીસીબી સિરપનો સમાવેશ થાય છે. તેમજ સાબરકાંઠાની મેડિસ્કાય ફાર્માસ્યુટિકલની નાઈફેડિપાઈન સસ્ટેઈન રિલીઝ ટેબ્લેટનો સમાવેશ થાય છે. સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી ગ્લેબેલા ફાર્મા પ્રાઈવેટ લિમિટેડની ડાઈક્લોગ્લોબ 50 ને પણ નબળી ગુણવત્તાની જાહેર કરાઈ છે. અંકલેશ્વરની નોરિસ મેડિસિન્સ પ્રાઈવેટ લિમિટેડની ટ્રાઈમેક્સ એક્સપેક્ટોરેન્ટને પણ નબળી જાહેર કરાઈ છે.
CDSCO ના રિપોર્ટ અનુસાર, આ દવાઓમાં Lycopene Mineral Syrup જેવી દવાઓ પણ સામેલ છે, જેનો ઉપયોગ લોકો મોટી માત્રામાં કરે છે. આ સિવાય વિટામીન સી ઈન્જેક્શન, ફોલિક એસિડ ઈન્જેક્શન, આલ્બેન્ડાઝોલ, કૌશિક ડોક-500, નિકોટીનામાઈડ ઈન્જેક્શન, એમોક્સાનોલ પ્લસ અને અલ્સીફ્લોક્સ જેવી દવાઓ પણ છે. આ દવાઓનો ઉપયોગ વિટામિનની ઉણપને દૂર કરવા, હાઈ બીપીને નિયંત્રિત કરવા, એલર્જી અટકાવવા, એસિડ કન્ટ્રોલ અને ફૂગના ચેપને દૂર કરવા માટે થાય છે. આ દવાઓમાં એક જાણીતી કંપનીની ટૂથપેસ્ટ પણ ફેલ જોવા મળી છે, જેનો લોકો ખૂબ ઉપયોગ કરે છે.