ગાંધીનગરની ઝૂંડાલ કેનાલનાં સર્વિસ રોડ પર રીક્ષા ચાલકને છાતી – પેટમાં ચપ્પાના ઘા ઝીંકી 65 હજારનો મુદ્દામાલ લૂંટી લેનાર બે લૂંટારુઓને અડાલજ પોલીસે પાંચ દિવસમાં જ ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ગુનાહિત ઈતિહાસ ચકાસવામાં આવતાં બન્નેએ અમદાવાદ – – ગાંધીનગરમાં એક ડઝન ગુના આચર્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદના મોટેરામાં રહેતો કેશવ ઉર્ફે કેશલ તામરે ગત તા. 19 મી સપ્ટેમ્બરનાં રોજ સવારના રીક્ષામાં પેસેન્જર બેસાડી અડાલજ ગામ ગયો હતો. જ્યાં પેસેન્જરને ઉતારી કેશવ રીક્ષા લઈ અડાલજ ગામમાંથી અંદરના રસ્તે થઇ નર્મદા કેનાલના સર્વીસ રોડ ઉપર થઇ ગુંડાલથી મોટેરા જવા માટે નિકળેલ હતો. તે વખતે વચ્ચે ઝુંડાલ બ્રીજ પાસે બે લૂંટારૂઓએ રીક્ષાની આડશ કરી કેશવને રોકી લીધો હતો. બાદમાં ધોકા – ચપ્પુ બતાવી જે કઈ હોય એ આપી દેવાનું કહી પતાવી દેવાની ધમકીઓ આપી હતી. તેમ છતાં કેશવ તાબે નહીં થતાં લૂંટારૂએ ધોકા વાળી કરીને 54 હજાર રોકડા લૂંટી લીધા હતા.
બાદમાં કેશવ અને લૂંટારૂ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેથી લૂંટારુએ કેશવને છાતી અને પેટમાં ચપ્પુનાં ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન લૂંટારુનો મોબાઇલ હાથમાં આવી જતાં કેશવે મોકો જોઈને નજીકના ફર્નિચરનાં ગોડાઉનમાં દોડી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો. આ અંગે ગુનો દાખલ થતાં એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ ગુનેગારોને ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી.
જે અન્વયે અડાલજ પોલીસ મથકના ઇન્સ્પેકટર એસ આર મુછાળ સહિતની અલગ ટીમે ટેકનિકલ – હ્યુમન સોર્સનાં માધ્યમથી તપાસનો દોર શરૂ કરી અંબાપુર ગામની સીમમાં આવેલ કેનાલથી નંબર પ્લેટ વિનાની રીક્ષા સાથે રાહુલ ઉર્ફે સુમનજી ઉર્ફે સોમાજી અગરાજી ઠાકોર તેમજ દિપેશ કનૈયાલાલ ચુનીલાલ અગ્રવાલને ઉઠાવી લીધા હતા. જેઓની પાસેથી ધોકો – ચપ્પુ પણ મળી આવ્યું હતું.
આ બંનેની વૈજ્ઞાનિક ઢબે પૂછતાંછ કરતાં બન્નેએ ઉક્ત લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ અંગે પીઆઈ મુછાળે જણાવ્યું હતું કે, બંનેનો ગુનાહિત ઈતિહાસ જોતા દિપેશ અગ્રવાલ વિરુદ્ધ ગાંધીનગર – અમદાવાદમાં કુલ પાંચ ગુના દાખલ થયેલા છે. એજ રીતે રાહુલ ઉર્ફે સુમન વિરુદ્ધ પણ ભૂતકાળમાં છ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. બંને લૂંટારૂઓ રાત્રિ – દિવસ દરમ્યાન કેનાલ વિસ્તારોમાં એકલ દોકલ રાહદારીઓને આંતરી છરીની અણીને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.