આજે સવારના સમયે ગાંધીનગર કરાઈ નર્મદા કેનાલમાં મોતની છલાંગ મારવાની તૈયારી કરતી અમદાવાદની મહિલાનો જીવ કરાઈ એકેડેમીનાં ડીવાયએસપી ગિરિરાજસિંહ જાડેજાની સમયસૂચકતાથી બચી ગયો છે. જુવાનજોધ દીકરાના રોજબરોજનાં કડવા વેણ – ત્રાસનાં કારણે મોત વ્હાલું કરવાના ઈરાદે મહિલા કેનાલ આવી હોવાનું બહાર આવ્યું છે.
ગાંધીનગર કરાઈ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવવાની તૈયારી કરતી અમદાવાદની મહિલાનો બે વખત રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ડીવાયએસપી ગિરિરાજસિંહ જાડેજાની સમયસૂચકતાથી જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે ડીવાયએસપી જાડેજાએ કહ્યું કે, આજે સવારના સમયે કરાઈ એકેડેમી તરફ જઈ રહ્યો હતો. એ વખતે સાડી પહેરેલી એક મહિલા કરાઈ કેનાલમાં પડવાની તૈયારી કરી રહી હોવાનું જોવા મળ્યું હતું. આથી સ્થિતિ પારખીને ગાડીની સ્પીડ વધારી દઈ તુરંત મહિલા પાસે પહોંચી ગયો હતો. એ વખતે દોડીને મહિલા કેનાલ ઓળંગવાની તૈયારીમાં જ હતી. એટલે બૂમ પાડીને મહિલાને રોકી દીધી હતી. જેને ઘણીવાર સુધી નામ ઠામ સરનામું અને કેનાલમાં પડવા આવવા માટેના સવાલો કર્યા હતા. પરંતુ તેના મોઢામાંથી એક શબ્દ બોલતી નહીં અને આંખમાંથી ચોધાર અશ્રુઓની ધારા વહી રહી હતી. એ દરમિયાન સિક્યોરિટી જવાન પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તેમ છતાં મેં એની સાથે સંવાદ ચાલુ રાખ્યો હતો. આડા અવળી સતત અડધો કલાક સુધી વાતચીત કર્યા પછી મહિલાએ પોતાની ઓળખ આપી હતી.
વધુમાં ડીવાયએસપી જાડેજાએ ઉમેર્યું હતું કે, મહિલા અમદાવાદની રહેવાસી છે. જેનાં પરિવારમાં પતિ અને બે દીકરાઓ છે. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. મોટો દીકરો કોઈ કામ ધંધો કરતો નથી. જેનાં ભવિષ્યનું વિચારીને તેને કામધંધો કરવાની ટકોર કરવામાં આવતી હતી. પરંતુ તેનો દીકરો કાનમાં કીડા ખરી પડે એવા કડવા વહેંણ બોલી ત્રાસ આપવાનું બાકી રાખતો નહીં. આ બધું એક “મા” તરીકે સાંભળવું અસહજ અને દયનીય બની ગયું હતું. એમાંય દીકરો સગી જનતાને તું મરી જા, તું મરી જા કહ્યા કરતો હતો. આખરે દીકરાના કડવા વહેંણ અને ત્રાસથી હારીથાકીને આજે સવારે મહિલા ઘરેથી નીકળી કેનાલ આવી ગઈ હતી. જે થોડી સ્વસ્થ થતાં જાતે રિક્ષામાં બેસીને ઘરે જવાની વાત કરી રહી હતી. પરંતુ મને હજી ક્યાંક ને ક્યાંક અજુગતું બનવાનો અણસાર આવી રહ્યો હતો. જેથી કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. અને ઈન્ફોસિટી પોલીસની પીસીઆર વાન આવી પહોંચી હતી.
એજ અરસામાં મહિલાની શોધમાં તેનો પતિ પણ કેનાલે આવી પહોંચ્યો હતો. તેણે પણ દીકરાનો અસહ્ય ત્રાસ હોવાની કેફિયત વર્ણવી હતી. બાદમાં દંપતીને સ્થાનિક પોલીસને સોંપીને હું રવાના થઈ ગયો હતો. આપને જણાવી દઈએ કે ડીવાયએસપી જાડેજા અગાઉ સીએમ સિક્યોરિટીમાં ફરજ બજાવતા હતા. જેમની ઉત્કૃટ કામગીરી બદલ બે વખત પ્રેસિડેન્ટ એવોર્ડ એનાયત થયો છે.