ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સેકટર – 30 ખાતેના ઢોર ડબ્બાની ઓફિસમાં ચરેડી છાપરાંની ગેંગ લાકડી, ચપ્પુ તથા લોખંડના સળીયા જેવા ઘાતક હથિયારો સાથે ત્રાટકીને કૂતરા પકડવા કેમ આવતાં નથી કહીને ડોગ કેચર ઉપર જીવલેણ હુમલો કરી નાસી જતાં સેકટર – 21 પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધવામાં આવી છે.
અત્યાર સુધી રખડતી ગાયો પકડવા મામલે માલધારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઉપર હૂમલો કરતી હોવાની ફરીયાદો ઉઠી હતી. પરંતુ હવે કૂતરાં નહીં પકડવા બાબતે પણ રોષે ભરાયેલા ચરેડી છાપરાં વિસ્તારની ગેંગે ઘાતક હથિયારો ધારણ કરી સેકટર – 30 ના ઢોર ડબ્બાની ઓફિસમાં ત્રાટકી ડોગ કેચરને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ગાંધીનગર સેકટર – 30 મુક્તિધામ ઢોર ડબ્બા આગળ આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એનિમલ બર્થ કંટ્રોલ પ્રોજેક્ટ ખાતે સોમસિંગ તડવી ડોગ કેચર તરીકે નોકરી કરે છે. ગઈકાલે સોમસિંગ ઉક્ત સ્થળે પોતાની ફરજ પર હાજર હતો. તે વખતે બે માણસો તેની પાસે જઈને કહેવા લાગેલ કે ચરેડી છાપરાઓમાં કુતરા પકડવાના છે.તમે ક્યારે આવશો. જેથી સોમસિંગે કહેલ કે આવતીકાલે આવીશુ.બાદમાં બંને ઈસમોએ સોમસિંગનો મોબાઇલ નંબર લઈને નીકળી ગયા હતા. આ તરફ સોમસિંગ પોતાની ઓફિસમાં જઈને ગયો હતો.
જેનાં થોડા સમય પછી તેના પર ફોન આવેલો અને સામે વાળો વ્યક્તિ કહેવા લાગેલ કે અત્યારે જ ચરેડીછાપરા ખાતે આવો અને કુતરા પકડી જાવ. આ વખતે પણ સોમસિંગે આવતીકાલે કૂતરા પકડવા આવીશું એમ કહેતા સામે વાળો ઈસમ ગાળો ભાંડવા માંડ્યો હતો. આથી સોમસિંગે ફોન કાપી નાખ્યો હતો.
ત્યારબાદ સાવન કિશનભાઇ ભીલ તથા તેની સાથે બીજા પાંચ ઇસમોની ગેંગ ઓફિસમાં ત્રાટકી હતી.જે પૈકી સાવન ભીલ પાસે ચપ્પુ તથા બે ઇસમો પાસે લાકડીઓ તથા એક પાસે લોખંડનો સળીયો હતો.બાદમાં સાવન ભીલે સોમસિંગની ટીશર્ટ પકડીને તને અત્યારે કુતરા પકડવાનુ કહેલ છે.તો તુ કેમ કુતરા પકડવા આવતો નથી તેમ કહી ગાળો બોલી બધા ભેગા મળીને ઓફિસની બહાર ખેંચી લાવ્યા હતા અને સોમસિંગને લાકડી – સળિયા વડે બરોબરનો ધોઈ નાખ્યો હતો. આથી પોતાનો જીવ બચાવવા માટે તેણે બૂમાબૂમ કરતાં સ્ટાફના માણસો અને સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકો દોડી આવ્યા હતા. બાદમાં પાંચેય ઈસમોએ ગેટની બાહર આવીશ તો જાનથી મારી નાખીશ તેવી સોમસિંગને ધમકીઓ આપી નાસી ગયા હતા.આ અંગે સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.