ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીની માઠી દશા બેઠી હોય એમ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાનાં જસ્ટિસની ઓફિસના નામે ઈમેઈલ કરીને મોડી રાતે વિદ્યાર્થીઓ સ્પીકર વગાડી અન્ય વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાડી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવતાં GNLU તંત્ર દોડતું થઇ ગયું હતું. જો કે હોસ્ટેલમાં આવી કોઈ પ્રવૃતિ થતી નહીં હોવાનું તપાસમાં બહાર આવતાં યુનિવર્સિટી તંત્રએ રાહત અનુભવી હતી. જો કે જસ્ટિસનાં નામના ઈમેઈલનું ક્રોસ વેરિફિકેશન કરતાં ફેક હોવાનું સામે આવતા ઈન્ચાર્જ રજિસ્ટ્રારે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ અને વિદ્યાર્થીની જાતીયતા મુદ્દે થતી હેરાનગતિ મામલે હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી નોટિસ આપવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આ વિવાદની વચ્ચે સુપ્રીમ કોર્ટના જસ્ટિસનાં ઓફિસના નામના ઈમેલ આવતાં GNLU માં દોડધામ મચી ગઈ હતી.
ગાંધીનગરના રાયસણ સ્થિત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીનાં ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. જગદિશચન્દ્ર ગંગાધરૈયાએ કરેલી ફરિયાદ મુજબ ગત. તા. 17 મી સપ્ટેમ્બરનાં રોજ સાંજના સમયે હોસ્ટેલ અને તેમના ઑફિશિયલ ઈમેઈલ ઉપર સુપ્રીમ કોર્ટ ઈન્ડિયાના જસ્ટિસ હિમા કોહલીની ઓફિસનાં ઇ- મેઇલ આઇડી officeofjusticehimakohli@gmail.com ઉપરથી એક મેઈલ આવ્યો હતો.
જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતાં કેટલાક વિદ્યાર્થીઓ મોડી રાત સીધું મોટા અવાજથી સ્પીકર વગાડી રાખે છે. જેનાં કારણે અન્ય વિદ્યાર્થીઓને પરેશાની થઈ રહી છે. આ વિદ્યાર્થીઓને કહેવા માટે કોઈ જાય તોય સાંભળતા નથી. તેમજ મોટેથી સ્પીકર વગાડનાર આવા વિધાર્થીઓ અભ્યાસ પણ કરતા નથી.
આ મામલાની ગંભીરતા જાણીને ઈન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા કોલેજની તમામ સ્ટુડન્ટ વેલફેર કમિટી, હોસ્ટેલ વોર્ડન,હેડ ઓફ એકેડેમી તથા અન્ય તમામને પૂછતાંછ કરી હોસ્ટેલમાં પણ તપાસ કરાવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસની ઓફિસ તરફથી આવેલ ઈમેઈલ મુજબની કોઈ હકીકત સામે આવી ન હતી.
બાદમાં ઈન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા જસ્ટીશ હિમા કોહલીની ઓફિસમાં ઇ-મેઇલ બાબતે ખરાઈ કરવામાં આવી હતી. ત્યારે માલુમ પડયું હતું કે, જસ્ટિસની ઓફિસમાંથી આ પ્રકારે કોઈ જાતનો મેઈલ કરવામાં આવ્યો નથી અને કોઇએ ખોટું નામ ધારણ કરી ઇમેઇલ કરવામાં આવ્યો હોવાની હકીકત જાણવા મળી હતી. એક તરફ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ – અન્ય એક વિદ્યાર્થીને જાતીયતા મુદ્દે થતી હેરાનગતિ બાબતે GNLU હાઇકોર્ટની નજરમાં આવી ગયું છે. એવામાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસની ઓફિસના નામે ખોટો મેઈલ આવતાં કોલેજ કમિટીમાં ચર્ચાનાં અંતે ઈમેલ કરનાર અજાણ્યા ઈસમ સામે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.