માણસાનાં ધમેડા ગામમાં આવેલી એલ્યુમિનિયમ સેકશન બનાવતી કંપનીના માલિકે ફોન નહીં ઉપાડવા બાબતે સિક્યુરિટી ગાર્ડને ઠપકો આપ્યો હતો. જેનાં પગલે રોષે ભરાયેલા સિક્યુરિટી ગાર્ડે પંદર મળતિયાઓને હથિયારો સાથે બોલાવી લઈ કંપનીના માલિકને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં કંપનીના માલિકની અઢી તોલાની ચેઇન તેમજ 70 હજાર રોકડા પણ ક્યાંક પડી જતાં માણસા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
માણસાના ધમેડા ગામે ચંદ્રકાન્ત વિષ્ણુભાઇ પટેલ યુ.એસ.ડી મેટલ નામની એલ્યુમીનીયમ સેકશન બનાવવાની કંપની ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. કંપનીમાં દેખરેખ અર્થે રેડ ટાઈગર નામની કંપનીમાંથી સિકયુરીટીના માણસોને રાખવામાં આવ્યા છે. ગઈ 25 મી સપ્ટેમ્બરે આશરે રાત્રિના સાડા આઠેક વાગે ચંદ્રકાંતભાઈ ઘરે જવા નિકળ્યા હતા. ત્યારે માણસા પહોંચતા અમદાવાદ ખાતેથી કાચો માલ લઇ ગાડીઓ આવી હોવાથી તેમણે સિકયુરીટી કનુ રામાજી પરમાર (રહે. ધમેડા) ને મોબાઇલથી પાંચથી સાત ફોન કર્યા હતા. પરંતુ કનુએ ફોન ઉપાડ્યો ન હતો. જેથી કરીને ચંદ્રકાંતભાઈ પરત કંપની ઉપર ગયા હતા અને ફોન રિસીવ નહીં કરવા બાબતે કનુને પુછ્યું હતું. આ સાંભળીને કનુ એકદમ ઉશ્કેરાઈ જઈ જેમતેમ બોલવા લાગ્યો હતો.
બાદમાં ચંદ્રકાંતભાઈએ કંપનીની અંદર ગયા હતા. આ અરસામાં કનુએ ફોન કરતા તેનો દીકરો તેમજ અન્ય 15 જેટલા ઈસમોને ધોકા અને પાઇપો લઇ કંપનીમાં ઘુસી ગયા હતા. અને ચંદ્રકાંતભાઈને તું બહાર નીકળ અમારા ગામમાં ધંધો કરે છે ને અમને બતાવે છે. અચાનક જોરશોરથી બૂમો સાંભળીને ચંદ્રકાંતભાઈ ટોળાને સમજાવવા માટે બહાર નિકળ્યા હતા. એજ અરસામાં ટોળાએ તેમને ઘેરી લઈ ગડદાપાટુનો કરી ધોકા – પાઈપો વડે મારવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં કંપનીના અન્ય કર્મચારીઓ દોડી આવી તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા.
આ હુમલામાં ચંદ્રકાંતભાઈની અઢી તોલાની ચેઇન તેમજ 70 હજાર રોકડા પણ ક્યાંક પડી ગયા હતા. બાદમાં તેઓને નજીકની હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.