ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં સર્જીકલ વિભાગની ઈન્ચાર્જ નર્સ નયના ડોડીયા અને સ્ટાફ નર્સ જૈમિનિ પટેલ વિરુદ્ધ નોકરી અપાવવાનાં બહાને 4 લાખની લાંચ માંગવા બદલ ગુનો એસીબીએ ગુનો દાખલ કરતાં સિવિલ સ્ટાફમાં સોપો પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે NRI કોટામાં MBBS માં એડમિશન અપાવવાનાં બહાને 83 લાખની છેતરપિંડીનાં ગુનાનું એ.પી સેન્ટર પણ ગાંધીનગર સિવિલ હોવાનું બહાર આવ્યા પછી બંન્ને નર્સોનું કારસ્તાન બહાર બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.
ગાંધીનગર ઊદ્યોગ ભવનના અધિકારીની દીકરીને MBBS માં એડમિશન અપાવવાનાં બહાને 83 લાખની છેતરપિંડીનો ગુનો સેકટર – 7 પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. GMERS કોલેજના ચોથા માળેથી રૂપિયા એઠવાનો સીલસીલો શરૂ કરી ત્રણ ઈસમોને યેનકેન બહાને 83 લાખ પડાવી લીધા હતા. હજી તો આ બનાવ સિવિલ સ્ટાફમાં કેન્દ્ર સ્થાને છે. એવામાં સિવિલ હોસ્પિટલની બે નર્સો એસીબીની ઝપેટમાં આવી જતાં ખળભળાટ મચી ગયો છે.
બંને નર્સોની વાત કરીએ તો નયનાબેન જગદિશભાઇ ડોડીયા સિવિલના સર્જીકલ વિભાગમાં ઈન્ચાર્જ નર્સ તેમજ જેમિનીબેન દશરથભાઇ પટેલ સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. એસીબીમાં ફરિયાદ કરનાર અરજદાર અને તેમના બહેને GNM સ્ટાફ નર્સનો કોર્સ કર્યો કરેલ છે. આથી નોકરી મેળવવા માટે બન્ને બહેનોએ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા જેમીનીબેન પટેલ તથા નયનાબેન ડોડિયારનો સંપર્ક કર્યો હતો.
જેનાં પગલે બન્ને નર્સોએ નોકરી અપાવવાના અવેજ પેટે વ્યક્તિ દીઠ બે લાખ લેખે 4 લાખની માંગણી કરાઈ હતી. જો કે અરજદાર બહેને બંન્ને નર્સો વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કરી એસીબીમાં ફરિયાદ કરી હતી. જે મામલે એસીબીની તપાસના અંતે બંને નર્સોએ લાંચ માંગી હોવાનું સામે આવતા બંને વિરુદ્ધ ગાંધીનગર એસીબી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.