ગાંધીનગરનાં કોબા કે રાહેજા રોડ તેમજ સેકટર – 21 ખાતેથી ધોળે દહાડે એક જ નામની બે મહિલાના ગળામાંથી એક લાખની કિંમતની બે સોનાના દોરા તોડીને બાઈક પર આવેલા ચેઈન સ્નેચરોએ તરખાટ મચાવી દેતા પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજનાં આધારે વધુ તપાસનો દોર શરૂ કર્યો છે.
ગાંધીનગરમાં ધોળે દહાડે ભર બજાર વચ્ચે બાઈક પર આવેલા ચેઈન સ્નેચરોએ બે મહિલાના ગળામાંથી સોનાના દોરો તોડીને તરખાટ મચાવી દીધો છે. સેકટર – 21 વાસ્તુ નિર્માણ સોસાયટી પ્લોટ નંબર 509/2 માં રહેતા 58 વર્ષીય પ્રવીણાબેન ભરતભાઇ પટેલ પાડોશમાં રહેતા સોનલબેન કમલેશભાઇ પટેલ સાથે ઘરેથી અક્ષરધામ મંદીર જવા માટે ચાલતાં નીકળ્યા હતા.
આ દરમ્યાન નિકળેલા સેકટર-21 માંથી સેકટર-20માં જવાના કટ પાસે રોડ ઉપર એક બાઇક ઉપર બે ઈસમો બાજુમાંથી પસાર થયા હતા. અને બંને મહિલાઓને થોડાક આગળ નીકળવા દઈ બાઇકની મોકો જોઈને પાછળ બેસેલ ઇસમે પ્રવિણાબેનનાં ગળાથી દોઢેક તોલાનો સોનાનો દોરો તોડી લીધો હતો. અચાનક ઘટેલી ઘટનાથી બંને મહિલાઓ ગભરાઈ ગઈ હતી. અને બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે આશરે 30 થી 35 વર્ષની ઉંમરના હેલ્મેટ પહેરેલ ચેઈન સ્નેચરો પૂરપાટ ઝડપે પલ્સર બાઇક પર નાસી ગયા હતા.
બીજી તરફ કોબા કે-રાહેજા રોડ કેશવમ ડ્રીમ હાઇટસ સોસાયટીમાં રહેતાં 47 વર્ષીય પ્રવિણાબેન અને તેમના પતિ નરેશભાઇ પટેલગઈકાલ સાંજના એક્ટીવા લઈ પીડીપીયુ ખાતે શાકભાજી ખરીદીને ઘરે પરત જઈ રહ્યા હતા. એ અરસામાં ગાર્મેન્ટ જોન નજીક કે રાહેજા રોડ ઉપર પાછળથી બાઈક ઉપર ચેઈન સ્નેચરો એ પીછો કર્યો હતો. જે પૈકીના પાછળ પાછળ બેઠેલ સફેદ કલરનો શર્ટ પહેરેલ અને મોઢે રૂમાલ બાંધેલ ઈસમે પ્રવિણાબેનનાં ગળામાંથી દોરો તોડયો હતો, પરંતુ ચેઈન સ્નેચિંગ થતાં જ પ્રવિણાબેને ગળા પર હાથ મૂકીને દોરો પકડી લીધો હતો. જેનાં પગલે દોરાનો ચોથો ભાગ તૂટીને ચેઈન સ્નેચરનાં હાથ આવી ગયો હતો. અને બંને બાઈક પર નાસી ગયા હતા.
આ બનાવના પગલે દંપતી એકદમ ગભરાઈ ગયું હતું. જે અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સેકટર – 21 માં ચેઈન તોડનાર પૈકી એક ઈસમે પણ સફેદ શર્ટ પહેરેલ હતો. જેથી બંને ગુનાને એક જ ગેંગે અંજામ આપ્યો હોવાનું પોલીસનું માનવું છે.