ગાંધીનગરનાં કુડાસણ – સરગાસણમાં લોકલ ક્રાઇમ બ્રાંચ – 1 ની ટીમે ત્રાટકીને જુદી જુદી બ્રાન્ડની 35 બોટલો, બાઈક તેમજ મોબાઈલ મળીને 75 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બંને બુટલેગર મિત્રો એક બીજાની મદદગારીથી અત્રેના વિસ્તારમાં દારૃનું છૂટક વેચાણ કરતાં હતાં.
ગાંધીનગર એલસીબી – 1 ની ટીમને બાતમી મળી હતી કે, કુડાસણની સહજાનંદ સીટીની નજીકમાં એક ઇસમ બાઈક ઉપર વિદેશી દારૂની બોટલો થેલામાં ભરીને વેપારી કરી રહ્યો છે. જેનાં પગલે પોલીસે સહજાનંદ સીટી ફ્લેટના મેઇન ગેટ પાસેથી શંકાસ્પદ ઈસમને બાઈક સાથે ઝડપી લઈ થેલાની તલાશી લેતાં ચાર બોટલો મળી આવી હતી.
જેની પૂછતાંછમાં તેણે પોતાનું નામ વિજય મોહનભાઇ બારોટ (હાલ રહે. મ.નં – એફ/503, શ્રી રંગ નેનો સીટી, સરગાસણ, મૂળ રહે. શીકાગામ, બારોટવાસ, તા,ધનસુરા) હોવાનું જણાવી કબૂલાત કરેલ કે, છેલ્લા એક માસથી તેના મિત્ર વિનોદ ધનરામભાઇ સાધુ (રહે. મ.નં – બી/4/103, સહજાનંદ સીટી, કુડાસણ) સાથે મળીને દારૂનો વેપલો ચલાવે છે.
આથી પોલીસ વિનોદનાં ઉક્ત ભાડાના મકાનમાં ત્રાટકી હતી. પરંતુ વિનોદ ફ્લેટ ઉપર હાજર મળી આવ્યો ન હતો. બાદમાં પોલીસે ફ્લેટની તલાશી લેતાં બેડરૂમમાં આવેલ લાકડાની જુની સેટીમાંથી એક કેસરી ક્લેરની મોટી ટ્રાવેલ બેંગ મળી આવી હતી. જેમાથી 38 હજારની કિંમતની જુદી જુદી બ્રાન્ડની 31 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂની બોટલો, મોબાઈલ ફોન, બાઈક સહિત રૂ. 75, 865 નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.