દહેગામ હાઉસિંગ ચોકડીથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઇનોવા કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારને આંતરી લઈ બિયરની 1320 બોટલો સાથે બુટલેગરને ઝડપી લઈ કુલ રૂ. 5 લાખ 37 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર બી બી ગોયલની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળેલ કે, સિલ્વર કલરની ઇનોવા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને દેવકરણના મુવાડા ગામ તરફથી દહેગામ તરફ આવનાર છે. જે હકીકતના આધારે પોલીસે દહેગામ વન મોબાઈલમાં તેમજ ખાનગી વાહનમાં હાઉંસીંગ ચોકડી સામે થોડા થોડા અંતરે વોચ ગોઠવી દીધી હતી.
ત્યારે બાતમી મુજબની કારનાં ચાલકને દૂરથી જ પોલીસ ફિલ્ડિંગ ગોઠવીને ઉભી હોવાની ગંધ આવી જતાં તેણે કારને હાઉસીંગ ચોકડીથી હાઉસીંગના મકાનો તરફ વાળી ભગાડી મુકી હતી. જેનાં પગલે તૈયારી સાથે ઉભેલી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કરીને સાન્વી રેસીડેન્સીની નજીક કારને કોર્ડન કરી લીધી હતી.
બાદમાં ગાડીમાં સવાર બે ઈસમોની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ ક્રિષ્ણા ઓમકાર મહેતા (રહે.બુઝારા ગામ, તા.કુમ્બર છે. ઉદેપુર (, રાજસ્થાન) તેમજ રમેશ નારાયણ જોષી (રહે. ભુઝારા ગામ, તા.સમ્બર જી.ઉદેપુર) હોવાનું જણાવ્યું હતું. જે બંનેને સાથે રાખી પોલીસે કારની તલાશી લેતાં અંદરથી બિયરની 55 પેટીમાં ભરેલ 1320 બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી રૂ. 1.32 લાખનો દારૃ, ઇનોવા કાર, મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 5.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.