રાજ્યમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વિવિધ શહેરોમાં અવેરનેસ કાર્યક્રમો યોજી લોકોને સાવધ રહેવા જાગૃત કરાઇ રહ્યાં છે, તેમ છતાં લોકો ઠગાઈનો શિકાર તો બની જ રહ્યાં છે. સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય સોફ્ટવેર એન્જીનીયર યુવતીએ ટાસ્ક પૂર્ણ કરી વળતર મેળવવા જતા રૂ.5.84 લાખ ગુમાવ્યાંની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.
શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી પોતાના ઘરેથી જ વેબસાઈટ ડિઝાઈનનું કામ કરે છે. ગત 9 જુલાઈના રોજ તેના વ્હોટ્સએપ નંબર પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઈનાયાએ મેસેજ કરી જણાવ્યું હતું કે જો તમે પણ પાર્ટટાઈમ કામ કરી રૂપિયા કમાવા માંગતા હોવ તો અમારી સાથે જોડાઇ જાઓ. જેમાં ગુગલ મેપ પર અલગ અલગ પ્લેસ, રેસ્ટોરન્ટને રીવ્યું આપવાના રહેશે. યુવતીએ હા પાડી તેમણે આપેલો ટાસ્ક પૂર્ણ કરતા તેને રિવર્ડ નંબર આપ્યો હતો. બાદમાં તેને ટેલીગ્રામ લીંક મોકલી ગ્રુપમાં એડ કરી તેને ટાસ્ક આપી તેના વળતરના કુલ રૂ.2800 તેના એકાઉન્ટમાં જમા કર્યાં હતા. ત્યાર બાદ તેની પાસે ટાસ્ક ચાલુ રાખવા પેટે રૂ.2 હજાર જમા કરાવી બાદમાં તે ટાસ્ક હવે એક્ટીવેટ થશે નહીં કહી બીજા ટાસ્ક માટે બીજી રકમ જમા કરાવો કહી ટુકડેટુકડે રૂ.5.87 લાખ જમા કરાવ્યાં હતા.
જો કે રૂ.2800 નું વળતર આપી બાકીનું વળતર કે રોકેલા રૂ.5,84,200 પરત નહીં કરતા યુવતીને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી. આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવાત સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.