ભોપાલની ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે આશંકા વ્યક્ત કરી છે કે વિપક્ષ ભાજપના નેતાઓ પર મારક શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે. ભોપાલમાં પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ ગોરની શ્રદ્ધાંજલિ સભામાં તેઓએ તમામ નેતાઓની હાજરીમાં આ વાત કહી.
ભોપાલ ખાતે ભાજપ ઓફિસમાં બાબૂલાલ ગોર અને અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવા માટે સભા આયોજિત થઈ હતી. તેમાં પાર્ટી સાસંદ પ્રજ્ઞા ઠાકુર પણ ઉપસ્થિત હતી. સભામાં તેઓએ પોતાની વાત એક કિસ્સો સાંભળાવતા કહી. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, હું જ્યારે ચૂંટણી લડી રહી હતી ત્યારે એક મહારાજજી આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે આ ખૂબ ખરાબ સમય ચાલી રહ્યો છે. વિપક્ષ એક મારક શક્તિનો પ્રયોગ આપની પાર્ટી અને તેના નેતાઓ સામે કરી રહ્યું છે.
ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ત્યાર બાદ એવું કહેતા પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, આ વાત હું બાદમાં ભૂલી ગઈ હતી. પરંતુ હવે જ્યારે હું આવું જોઈ રહી છું કે અમારી પાર્ટીના નેતા આમ એક પછી એક જઈ રહ્યા છે તો મને તે મહારાજજીની વાત યાદ આવી રહી છે. ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો પણ આ સત્ય છે અને આવું થઈ રહ્યું છે. પ્રજ્ઞા ઠાકુરે થોડા સમયમાં દિવંગત થયેલા તમામ નેતાઓના નામ લીધા. મનોહર પારિકર, સુષ્મા સ્વરાજ, બાબૂલાલ ગોર અને હવે અરુણ જેટલીનું નિધન તેઓએ મહારાજની સાથે જોડ્યા.