બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ગુજરાતમાં આવવાના હોવાની માહિતી સામે આવી છે. આ વખતે નવરાત્રિ દરમિયાન બાબા બાગેશ્વર ગુજરાતમાં રામકથા અને હનુમાનકથા કરશે. ૧૫, ૧૬ અને ૧૭ ઓક્ટોબર એમ ત્રણ દિવસ અંબાજીમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૮થી ૨૦ ઓક્ટોબર સુધી અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર અને હનુમાનકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪મી ઓક્ટોબરના રોજ સાંજે બાબા બાગેશ્વર અમદાવાદ આવશે અને કોટક હાઉસમાં રોકાશે, ત્યાર બાદ તેઓ સતત ૬ દિવસ સુધી અંબાજી અને અમદાવાદમાં દિવ્ય દરબાર અને રામ-હનુમાનકથા કરશે તેમજ ૧૭ ઓક્ટોબરના રોજ કળશયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.બાબા બાગેશ્વર અંબાજી બાદ ત્રણ દિવસ અમદાવાદમાં દિવ્ય દરબાર અને હનુમાનકથા માટે આવવાના છે. હાથીજણ વિસ્તારમાં લાલગેબી આશ્રમ નજીક નવરાત્રિ દરમિયાન ૧૮થી ૨૦ ઓક્ટોબર એમ ત્રણ દિવસ સુધી તેમની કથા અને દિવ્ય દરબાર યોજાશે. ૧૯મી ઓક્ટોબરના રોજ બાબાનો દિવ્ય દરબાર થશે. દિવ્ય દરબાર માટેના પ્લોટમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શિવકૃપા મિત્ર મંડળ દ્વારા હનુમાન કથા અને દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, અંદાજે ૫૦,૦૦૦થી વધુ લોકો હનુમાનકથાને દિવ્ય દરબારનો લાભ લે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર અને હનુમાનકથા શહેરના વટવા વિસ્તારના શિવકૃપા મિત્ર મંડળ દ્વારા યોજવામાં આવ્યાં છે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાથીજણ વિસ્તારમાં મહેમદાવાદ રોડ પર રાધે હિલ્સની બાજુમાં આવેલા મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબારમાં ભાગ લેવા આવનારા લોકો માટે પૂરતી પાર્કિંગથી લઈ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ૧૮થી ૨૦ ઓક્ટોબર એમ ત્રણ દિવસ સુધી આ દિવ્ય દરબાર અને હનુમાનકથા યોજાવાની છે, જેમાં આગલા દિવસે ૧૭ ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ વાગ્યે કળશયાત્રા યોજાશે. હાથીજણ લાલગેબી આશ્રમથી સ્થળ સુધી આ કળશયાત્રા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ માથે કળશ લઈ એમાં જાેડાશે.